વોશિંગ્ટનઃ અમેરિકન સંસ્થાનોએ કિંગ જ્યોર્જ તૃતીયના શાસન હેઠળના બ્રિટન સાથે સંબંધો તોડી નાંખ્યાના 250 વર્ષ પછી કિંગના વારસદાર કિંગ ચાર્લ્સ તૃતીયે 27 એપ્રિલ 2026ના દિવસે યુનાઈટેડ સ્ટેટ્સની ધરતી પર કદમ મૂકવા સાથે ઈતિહાસનું એક વર્તુળ પૂર્ણ થયું હતું. આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ટ્રાન્સએટલાન્ટિક સંબંધો અચોક્કસ છે અને સુરક્ષાની ચિંતાઓ સર્વત્ર છે. ચાર્લ્સના શાસન માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને હાઈ પ્રોફાઈલ આ મુલાકાત અમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષની ઉજવણીને સુસંગત છે તેમજ બ્રિટિશ મોનાર્ક દ્વારા 20 વર્ષમાં આ પ્રથમ યુએસ પ્રવાસ છે.
સ્ટેટ વિઝિટના બીજા દિવસે, ડોનાલ્ડ અને મેલેનીઆ ટ્રમ્પે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા માટે વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. મિલિટરી પરેડ્સ, કેનન ફાયર અને જેટ ફ્લાય ઓવર સાથેના સ્વાગત સમારોહમાં ટ્રમ્પની કેબિનેટના વરિષ્ઠ સભ્યો સામેલ થયા હતા.
પ્રેસિડેન્ટ ટ્રમ્પ કદાચ સ્ક્રીપ્ટની બહાર જતા રહેશે તેવી ચિંતા છતાં, ટ્રમ્પે જરા પણ આડાઅવળા ગયા વિના બંને દેશો વચ્ચેના ટકાઉ સંબંધોની પ્રસંશા કરવા સાથે અમેરિકનો પાસે ‘બ્રિટિશરો જેવા ગાઢ મિત્રો નથી’ તેવી જાહેરાત પણ કરી હતી.
21 તોપની સલામી સાથેના સત્તાવાર સ્વાગત સમારોહમાં ટ્રમ્પે રાજદ્વારીની ભાષા અપનાવી દીર્ઘકાલીન ‘વિશિષ્ટ સંબંધો’ના ઉલ્લેખ સાથે બંને દેશો વચ્ચે લશ્કરી સહકારના ઈતિહાસ વિશે પણ જણાવ્યું હતું. આ ટીપ્પણીઓ બ્રિટનની વિદેશ નીતિના વલણ અંગે તાજેતરની ટીકાઓથી તદ્દન વિપરીત હતી.
હળવી પળોમાં ટ્રમ્પે વોશિંગ્ટનની વરસાદી આબોહવાને ‘ સુંદર બ્રિટિશ દિવસ’ ગણાવી રમૂજ કરી હતી. અને ચાર્લ્સ માટે તેમની દિવંગત માતાના પ્રેમ વિશે પણ કિસ્સો જણાવ્યો હતો. બેન્ડ્સ દ્વારા બંને દેશના નેશનલ એન્ધમ વગાડાયા હતા ત્યારે વાતાવરણમાં ઉલ્લાસ હતો અને કિંગ ચાર્લ્સે ટ્રમ્પની સાથે યુએસ દળોના ઈન્સ્પેક્શન પહેલા વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સહિત વરિષ્ઠ ઓફિસિયલ્સનું અભિવાદન કર્યું હતું.
સમારંભમાં ધામધૂમ અને પ્રતિકાત્મકતાનું સંમિશ્રણ જોવા મળ્યું હતું. રિવોલ્યુશનરી વોર યુનિફોર્મમાં સૈનિકોએ માર્ચપાસ્ટ કર્યું હતું, જે બે દેશોને વિભાજિત કરનારા સંઘર્ષની યાદ સમાન હતું જ્યારે, પશ્ચાદભૂમાં ટ્રમ્પના 400 મિલિયન ડોલરના વ્હાઈટ હાઉસ બોલરૂમના નિર્માણ માટેના બાંધકામના અવાજોનો પડઘો પડતો હતો.
દિવસના કાર્યક્રમો ઓવલ ઓફિસમાં પ્રાઈવેટ મંત્રણાઓ સાથે ચાલુ રહ્યા હતા જે પછી, કોંગ્રેસની સંયુક્ત બેઠકને સીમાચિહ્ન સંબોધનનો કાર્યક્રમ હતો. કિંગ ચાર્લ્સ તૃતીયે યુકે-યુએસ એલાયન્સની ટકાઉ શક્તિનો પુનરુચ્ચાર કર્યો હતો અને તેને ‘વિવાદમાંથી ઉદ્ભવ પામેલી, પરંતુ તેના માટે જરા પણ ઓછી શક્તિવાળી નહિ’ પાર્ટનરશિપ તરીકે વર્ણવી હતી. અમેરિકન સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ નિમિત્તે કિંગે સહભાગી ઈતિહાસ, નોકશાહી મૂલ્યો અને કિંગ જ્યોર્જ તૃતીયના યુગ પછી સંબંધોની ઉત્ક્રાંતિ પર મનન કરતા રમૂજમાં જણાવ્યું હતું કે તેઓ અહીં,‘ કોઈ લુચ્ચાઈપૂર્ણ રીઅરગાર્ડ એક્શનના ભાગરૂપે અહીં નથી.’
કિંગે બે દેશો વચ્ચે સંબંધોના ‘વિશિષ્ટ ઘટક’ને હાઈલાઈટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પના જ શબ્દોને ટાંક્યા હતા કે આ બંધન ‘કિંમતી અને શાશ્વત’ છે. તેમણે ગ્લોબલ અસ્થિરતા, ‘ભારે અનિર્ણાયકતાના સમય’ અને ‘યુરોપથી મિડલ ઈસ્ટ’ સુધી પ્રસરેલા સંઘર્ષ સામે એકતા પર ભાર મૂક્યો હતો.
કિંગ ચાર્લ્સે NATO ની અવિરત પ્રસ્તુતતા અને લોકશાહી અને શાંતિના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂકવા સાથે 9/11થી યુક્રેનની સંયુક્ત શહાદતો-બલિદાનોને અંજલિ આપતા જણાવ્યું હતું કે, ‘અમે ત્યારે પણ તમારી સાથે ઉભા હતા અને આજે પણ તમારી સાથે ઉભા છીએ’
તેમણે AI, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ન્યુક્લીઅર ફ્યુઝનમાં નવી પાર્ટનરશિપ્સ તેમજ ‘’ મિલિયન્સ નોકરીઓને સપોર્ટ કરતા ‘1.7 ટ્રિલિયન ડોલરના પારસ્પરિક ઈન્વેસ્ટમેન્ટ ’ તરફ અંગૂલિનિર્દેશ કરવા સાથે આર્થિક અને વૈજ્ઞાનિક સહકારનું મહત્ત્વ દર્શાવ્યું હતું.
એલાયન્સને ઐતિહાસિક અને ભવિષ્ય તરફ નજર કરતા ગણાવીને તેમણે રીન્યુઅલની હાકલ કરતા જણાવ્યું હતું કે,‘આપણા બંને દેશો આપણા લોકોની નિઃસ્વાર્થ સેવામાં એકબીજા માટે આપણને પુનઃસમર્પિત કરીએ.’ સંબોધન પછી સ્ટેટ ડિનરનો કાર્યક્રમ યોજાયો હતો.
અગાઉ, ટ્રમ્પે વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર ઈવેન્ટમાં થયેલાં શૂટિંગના થોડા દિવસો પછી તેમજ તાજેતરના સંખ્યાબંધ હત્યાના અનેક પ્રયાસો મધ્યે સુરક્ષાની વધેલી ચિંતાઓ છતાં, વિઝિટમાં આગળ વધવા બદલ કિંગની પ્રસંશા કરી હતી.
ચા, કેક્સ અને વ્હાઈટ હાઉસના ગ્રાઉન્ડની ટુરના હળવા સૂર મધ્યે વિઝિટનો આરંભ થયો હતો. ચાર્લ્સે ટ્રમ્પ સાથે દ્વિપક્ષી મંત્રણા આઈદરી હતી જ્યારે ક્વીન કેમિલા અને ફર્સ્ટ લેડીએ અલગ શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
હવે કિંગ ન્યૂ યોર્કમાં મેયર ઝોહરાન મામદાની સાથે 9/11 મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવા ન્યૂ યોર્ક જાય તેવી અપેક્ષા છે. અહીં તેઓ 2001ના હુમલાઓમાં માર્યા ગયેલા 67 બ્રિટિશ સહિત હજારો વિક્ટિમ્સનું સન્માન કરશે. જોકે, તેમના સમયપત્રકમાં પારિવારિક મિલનની ગેરહાજરી સ્પષ્ટ છે. આ પ્રવાસમાં પ્રિન્સ હેરી કિંગને મળે તેવી શક્યતા નથી.
તાજેતરમાં ટ્રમ્પે વિદેશમાં મિલિટરી કમિટમેન્ટ્સ મુદ્દે પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરની ટીકા કર્યા પછી વોશિંગ્ટન અને લંડન વચ્ચે તણાવમાં વધારો થયો છે. બ્રિટિશ મોનાર્ક બંધારણીય રીતે રાજકારણથી પર રહે છે ત્યારે બ્રિટિશ અધિકારીઓ આશા ધરાવે છે કે આ મુલાકાતથી સંબંધો સ્થિર થવામાં મદદ મળશે. ખુદ ટ્રમ્પે પણ સૂચવ્યું છે કે ચાર્લ્સ બંને દેશો વચ્ચેના તણાવને હળવો બનાવવામાં ભૂમિકા ભજવી શકે છે.


