લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓના હજારો વિદ્યાર્થીઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભારતીય કૌશલ્યનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના પરિણામે ‘કોન્ટ્રાક્ટ ચીટિંગ’નું નવું પરિબળ સર્જાયું છે. આ સ્થિતિમાં અભ્યાસક્રમોનાં એસાઈનમેન્ટ્સ ફી આપીને ઓનલાઈન ફ્રીલાન્સર્સ અને અન્ય લોકોને સોંપી દેવાય છે. આવી ઓનલાઈન પ્રવૃત્તિમાં ભારત મોખરે હોવાં છતાં પાકિસ્તાન, નાઈજિરિયા અને કેન્યા પણ પાછળ નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે વિશ્વભરના વિદ્યાર્થીઓ અન્ય લોકોને એસાઈનમેન્ટ પુરું કરવા કે પોતાના બદલે પરીક્ષા આપવા ફી ચુકવતા હોય તેવા ૩૦,૦૦૦થી વધુ દાખલા તેમની પાસે છે.
આ પરિસ્થિતિ બર્મિંગહામ સિટી યુનિવર્સિટીમાં કાર્યરત એકેડેમિક્સ થોમસ લેન્કેસ્ટર અને રોબર્ટ ક્લાર્ક દ્વારા ૨૦૦૮માં સ્પષ્ટ કરાયા પછીના વર્ષોમાં તેનું પ્રમાણ વધતું ગયું છે. આ કામગીરી એટલી વિશિષ્ટ હોય છે કે ચોરીનું લખાણ પકડી પાડતાં સોફ્ટવેર પણ તેને શોધી શકતાં નથી. લેન્કેસ્ટરે એક અખબારને જણાવ્યું હતું કે,‘ભારતના ઘણા લોકો ફી લઈને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય પુરું કરી આપે છે. યુકેના વિદ્યાર્થીઓને આ ફી નજીવી લાગે પરંતુ ભારતમાં તે જીવનનિર્વાહનું સારું વેતન બને છે. કોલકાતાસ્થિત એક ‘કોન્ટ્રાક્ટર’ દ્વારા ૨૦૦થી વધુ પોસ્ટિંગ્સ અને રેકોર્ડ્સ દર્શાવે છે કે યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડિયા અને શ્રી લંકામાંથી સંખ્યાબંધ એસાઈનમેન્ટ્સ પ્રોસેસ કરાયા હતા. આવા અનેક ‘કોન્ટ્રાક્ટર’ ઓનલાઈન નિબંધલેખન સેવા સાથે સંકળાયેલા છે.’
લેન્કેસ્ટર કહે છે કે,‘ભારતના વર્ક્સ તેમની પાસે યુકેની યુનિવર્સિટી ડીગ્રી હોવાની જાહેરાતો કરે છે. આથી, યુકેની એજ્યુકેશન સિસ્ટમથી પરિચિત હોવાનું માની વિદ્યાર્થીઓ તેમની સેવા મેળવે છે.’


