લંડનઃ સંરક્ષણ વિભાગમાં ચાલતી વિચારણા મુજબ અફઘાનિસ્તાનમાં વધુ બ્રિટિશ સૈનિકોને ફરજ પર મૂકાશે. અફઘાનિસ્તાનમાં અરાજકતાની સ્થિતિને લીધે ત્યાં બ્રિટનના ૪૫૦- સ્ટ્રોંગ ટ્રેનિંગ મિશનના રોકાણને અમેરિકી લશ્કરની સાથે ૨૦૧૭ સુધી લંબાવવાની જાહેરાત ડેવિડ કેમરન નાટો શિખર પરિષદમાં કરે તેવી શક્યતા છે.
હાલ કાબુલસ્થિત મિશનની સુરક્ષા માટે વધુ ૧૦૦ સૈનિકોને ફરજ પર મૂકવા વિચારાય છે. બ્રિટન અન્ય દેશો સાથે ‘વિકલ્પોની ચર્ચા’ કરી રહ્યું છે. પરંતુ, છેલ્લા થોડા મહિનામાં તાલિબાને જમાવેલો કબજો અને ISISના હજારો લડાકુઓ દેશમાં ફેલાઈ ગયા છે તે જોતા બ્રિટને અફઘાનિસ્તાનમાંથી હટી જવામાં ખૂબ ઉતાવળ કર્યાનો મત વ્યક્ત થાય છે. બ્રિટિશ સૈનિકોને ડિસેમ્બર ૨૦૧૪માં ત્યાંથી ખસેડી લેવાયા હતા.


