યુકે વળતા અમેરિકી ટેરિફની ધમકી છતાં યુએસની કંપનીઓ પર ટેક્સ મુદ્દે નહિ ઝૂકે

Wednesday 29th April 2026 07:07 EDT
 
 

લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓ પર ટેક્સ લાદવા મુદ્દે પીછેહઠ કરવાનો ઈનકાર કર્યો છે. વળતા પ્રહાર તરીકે ટેરિફ્સ લાદવાની અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધમકી છતાં ડાઉનિંગ સ્ટ્રીટે ભારપૂર્વક જણાવ્યું છે કે ડિજિટલ સર્વિસીસ ટેક્સ વાજબી અને પ્રમાણસરનો છે.

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, ‘યુકે પર સહેલાઈથી ભારે ટેરિફ્સ લાદીને યુએસ વળતો પ્રહાર કરી શકે છે આથી, તેમણે કાળજી રાખવી જોઈએ. જો તેઓ ટેક્સ પડતો નહિ મૂકે તો અમે કદાચ યુકે પર ભારે ટેરિફ લાદીશું.’ વળતો ટેરિફ કેટલો ઊંચો હશે તેના ઉત્તરમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે લેવી તરીકે તેમને જે મળી રહ્યું છે તેનાથી વધારે જ હશે. ટ્રમ્પે દલીલ કરી હતી કે યુકે અને યુએસ સંબંધોમાં લાંબા સમયથી તણાવનો મુદ્દો રહેલા આ કાયદાઓએ વિશ્વની ટોપ કંપનીઓને નિશાન બનાવેલ છે.

ટ્રમ્પની ચેતવણી બાબતે પ્રાઈમ મિનિસ્ટરના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘અમારી પોઝિશનમાં કોઈ બદલાવ નથી. બિઝનેસીસ તેમનો હિસ્સો ચૂકવતા રહેવાનું ચાલુ રાખે તેની ચોકસાઈ રાખવાનો આ મહત્ત્વપૂર્ણ ટેક્સ છે. યુકેમાં બિઝનેસ એક્ટિવિટીઝ પર ટેક્સ લગાવવાનો આ ન્યાયી અને પ્રમાણસરનો અભિગમ છે.’ કેર સ્ટાર્મરે ઈરાન યુદ્ધમાં બ્રિટિશ સંડોવણીનો ઈનકાર કર્યા પછી યુકે અને યુએસના વણસેલા સંબંધોમાં નવો વધારો કરે છે.

2020માં દાખલ કરાયેલો ડિજિટલ સર્વિસીસ ટેક્સ કેટલીક મુખ્ય અમેરિકી ટેક કંપનીઓની રેવન્યુઝ પર 2 ટકાની લેવી લાદે છે. આ ટેક્સ એવી કંપનીઓને લક્ષ્ય બનાવે છે જેમની ડિજિટલ પ્રવૃત્તિઓથી વૈશ્વિક રેવન્યુ 500 મિલિયન પાઉન્ડને વટાવી જતી હોય અને યુકેના વપરાશકારો પાસેથી 25 મિલિયન પાઉન્ડથી વધુ રેવન્યુ મળતી હોય. 2025ના ટ્રેઝરી રિવ્યૂ મુજબ આ લેવીના પરિણામે, 2024-25માં 800 મિલિયન પાઉન્ડથી વધુ રકમ મળી હતી, જે 2023-24માં 678 મિલિયન પાઉન્ડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter