લંડનઃ યુકે દ્વારા દેશોને અપાતી વિદેશી સહાયનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના પર વધુ અંકુશ રાખતી નીતિ જાહેર કરાનાર છે. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ ફોરેન એઈડ બજેટમાં ધરમૂળ ફેરફારો કરી યુનાઈટેડ નેશન્સ જેવી સંસ્થાઓને અપાતી સહાય પર કાતર ફેરવશે. યુકે દ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મારફત 4.4 બિલિયન પાઉન્ડથી વધુ રકમની સહાય ફાળવાય છે.
બ્રિટન નવી નીતિ હેઠળ યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ બેન્ક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મારફત સહાય પહોંચાડવાના બદલે પાતાના હાથે જ નાણા મોકલી આપે તેવા ફેરફાર ફોરેન એઈડ બજેટમાં કરી રહ્યું છે. આના પરિણામે, કરદાતાના નાણાનો ઉપયોગ થવા પર દેશનો વધુ અંકુશ રહેશે. યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ બેન્કને અપાતા નાણામાં કાપ મૂકાશે અને બાકીની રકમો બ્રિટન સંચાલિત કાર્યક્રમો કે પ્રોજેક્ટ્સને ફાળવાશે જેમાં મહિલાઓ સામે હિંસાનો અંત અને યુક્રેન જેવા સ્થળોએ માનવીય સહાય પહોંચાડવાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ફોરેન એઈડ પર ખર્ચાયેલા 11.5 બિલિયન પાઉન્ડ્સમાંથી 4.4 બિલિયન પાઉન્ડથી વધુ રકમ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મારફત પહોંચાડાઈ હતી.
ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ 2025 સુધીમાં બહુલક્ષી સંસ્થાઓને અપાતી રકમ ફોરેન ઓફિસના સહાયખર્ચના 25 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય નિશ્ચિત કરશે જે હાલ 40 ટકા જેટલું છે. સરકારે કોવિડ-19ના મારમાંથી બહાર આવી રહેલા ગરીબ દેશોને મદદ કરવાના વર્લ્ડ બેન્કના પ્રોગ્રામને સહાયમાંથી 1.5 બિલિયન પાઉન્ડનો કાપ મૂકેલો જ છે.


