યુકે વિદેશોમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓમાંથી થતી આયાતો પર ગ્રીન ટેક્સ લાદશે

મકાનોને એનર્જી એફિશિયન્ટ બનાવવા માટે મધ્યમવર્ગને સેંકડો પાઉન્ડની સહાય અપાશે

Tuesday 04th April 2023 13:33 EDT
 
 

લંડન

યુકે સરકાર વિદેશોમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓમાંથી આયાત કરાતા ઉત્પાદનો પર ગ્રીન ટેક્સ લાદવાની તૈયારી કરી રહી છે. વિદેશી ઉત્પાદનો સામે યુકેના ઉત્પાદકોને સંરક્ષણ આપવા માટે યુકે સરકાર ટેક્સ એન્વાયરમેન્ટ રૂલ્સ લાગુ કરશે. કાર્બન બોર્ડર ટેક્સ નામની નવી સિસ્ટમ યુરોપિયન યુનિયન દ્વારા તૈયાર કરાયેલી સિસ્ટમ પર આધારિત રહેશે. જે અંતર્ગત પર્યાવરણ અંગેની ઢીલી નીતિઓ ધરાવતા દેશોમાંથી કરાતી આયાત પર ટેક્સ લાદવામાં આવશે. યુકેના ઉત્પાદકોને આ પ્રકારની વિદેશી આયાતો દ્વારા થતા નુકસાનમાંથી બચાવવા માટે સરકાર આ યોજના તૈયાર કરી રહી છે. યુકેમાં પણ ઉત્પાદકોએ આકરા પર્યાવરણ નિયંત્રણોનો સામનો કરવો પડશે.

નવી નીતિમાં પોલાદ અને સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને ખાતર જેવા ઉત્પાદનોને નિશાન બનાવાશે. બિન યુરોપિયન સંઘના દેશોમાં આ પ્રકારના ઉત્પાદનો માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. આ યોજના દ્વારા યુકેના ઉત્પાદકોને સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ મળી રહેશે અને અન્ય દેશો પર કોલસાનો ઉપયોગ ઘટાડવા માટે દબાણ સર્જી શકાશે. સરકારનું માનવું છે કે સ્પર્ધાત્મક યુગમાં યુકેના ઉત્પાદકોને નુકસાન થવું જોઇએ નહીં.

આ નવી યોજનાની જાહેરાત એનર્જી સિક્યુરિટી ડે નિમિત્તે કરાશે. સરકાર ગ્રેટ બ્રિટિશ ઇન્શ્યુલેશન સ્કીમ અંતર્ગત મધ્યમ આવક ધરાવતા પરિવારોને તેમના મકાનો એનર્જી એફિશિયન્ટ બનાવવા માટે સેંકડો પાઉન્ડની સહાયની જાહેરાત કરે તેવી પણ સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter