• ફાઈઝરની વેક્સિન બાળકોમાં પણ અસરકારીઃ
ફાઈઝર/બાયોએનટેક વેક્સિન ૧૨ વર્ષ જેટલા નાના બાળકોમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સલામત અને ૧૦૦ ટકા અસરકારક હોવાનો દાવો કંપનીએ કર્યો છે. હાલ યુએસમાં ફાઈઝર/બાયોએનટેક વેક્સિન ૧૬ વર્ષથી વધુ વયના લોકોને અપાય છે. શાળાના વિદ્યાર્થીઓને પણ વેક્સિન આપવા ઈમર્જન્સી ઓથોરાઈઝેશનને માન્યતા આપવા કંપની યુએસ રેગ્યુલેટર સમક્ષ માગણી કરશે. વેક્સિન ઉત્પાદકોએ ટ્રાયલ માટે છ મહિનાના બાળકો સહિત ૪,૫૦૦ બાળકોની નોંધણી કરી છે. અગાઉની ટ્રાયલ્સમાં ૧૨ ને તેથી વધુ વયના બાળકો પર અભ્યાસ કરાયો હતો.
• રિશિ સુનાક કેમરનથી અળગા થયાઃ
ચાન્સેલર રિશિ સુનાકે ગ્રીનસિલ કેપિટલ વિવાદના પરિણામે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનથી અંતર જાળવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાઈમ મિનિસ્ટર્સ અથવા કોઈ પણ વ્યક્તિએ લોબિઈંગ નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ તે મહત્ત્વનું છે. કેમરને ગ્રીનસિલ કેપિટલને તાકીદનું ભંડોળ મેળવી આપવા ચાન્સેલર સુનાકને અનેક સંદેશા પાઠવ્યા હોવાનું બહાર આવ્યા પછી સુનાકે પૂર્વ વડા પ્રધાન માટે આ હળવા તમાચા જેવું નિવેદન આપ્યું હતું.
• અસ્ડા સ્ટોર વર્કર્સનો સમાન વેતન માટે વિજયઃ
સુપ્રીમ કોર્ટના સીમાચિહ્ન ચુકાદા સાથે અસ્ડા સ્ટોરના ૪૦,૦૦૦થી વધુ કર્મચારી સમાન વેતનના હકદાર બન્યા છે જેમાં, બે તૃતીઆંશ કર્મચારી મહિલા છે. અસ્ડા સ્ટોરના વર્કર્સ દ્વારા લીડ્ઝસ્થિત સુપરમાર્કેટ વિરુદ્ધ સમાન વેતનનો દાવો કરાયો હતો. તેમની દલીલ હતી કે ડિસ્ટ્રિબ્યુશન ડેપોઝમાં કામ કરનારાની સરખામણીએ તેઓને ઓછાં નાણા અપાય છે. અસ્ડાના માલિકોએ જણાવ્યું હતું કે સ્ટોરની નોકરીઓ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની નોકરીઓ એકસરખી નથી. જોકે, સુપ્રીમ કોર્ટ્સના ન્યાયમૂર્તિઓએ તેમની દલીલ ફગાવી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે જાતિગત ભેદભાવના દાવા અન્વયે સ્ટોર વર્કર્સ મુખ્યત્વે પુરુષ સ્ટાફ સાથેના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સંદર્ભે સમાન વેતનની સરખામણી કરવાનો અધિકાર ધરાવે છે.
• યુવાવર્ગ સામે બેરોજગારીની કટોકટીઃ
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા અનુસાર ગયા વર્ષમાં ગુમાવાયેલી ૯૦ ટકા નોકરીઓની અસર ૩૫થી ઓછી વયના લોકોને થઈ હતી. ફેબ્રુઆરી ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ના ગાળામાં ૬૯૩,૦૦૦થી ઓછાં લોકો વેતનસહ રોજગારમાં હતા. જે લોકોએ નોકરીઓ ગુમાવી હતી તેના આશરે ૬૩ ટકા (૪૩૭,૦૦૦) લોકો ૨૫ વર્ષથી ઓછી વયના અને વધુ ૨૫ ટકા (૧૭૪,૦૦૦) લોકો ૨૫-૩૪ વયજૂથના હતા તેમજ ૩૫-૪૯ વયજૂથના ૧૬ ટકા (૧૦૯,૦૦૦) અને ૬૫થી વધુ વયના માત્ર ૫,૦૦૦ લોકો હતા.
• ટોરી દાતાનું સરકારી કોન્ટ્રાક્ટ માટે લોબિઈંગઃ
જાણીતા ટોરી દાતાએ ૬૫ મિલિયન પાઉન્ડના PPE સરકારી કોન્ટ્રાક્ટને ઝડપથી આગલ વધારવા માટે મિનિસ્ટર સાથે લોબિઈંગ કર્યાના અહેવાલો બહાર આવ્યા છે. પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) ઓફર કરતી ફેશન કંપનીના સહમાલિક અને ટોરી દાતા ડેવિડ મેલરે ફેસ માસ્કનો સપ્લાય કરતી પોતાની કંપનીને ૬૫ મિલિયન પાઉન્ડનો સરકારી કોન્ટ્રાક્ટમાં થતો વિલંબ દૂર કરવા માટે ગયા વર્ષે મિનિસ્ટરનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. સરકાર અને કંપની વચ્ચેની વાટાઘાટોમાં ભારે વિલંબ થતો હતો. મેલર અને વાઈરસના સામના માટે અપાતા કોન્ટ્રાક્ટર પર નજર રાખતા હેલ્થ મિનિસ્ટર લોર્ડ બેથેલ વચ્ચે વાતચીત પછી આવા વિલંબો તત્કાળ નજરમાં લેવા હેલ્થ મંત્રાલયે ભલામણ કરી હતી.