લંડનઃ યુકે અને પોલેન્ડના લોકો તેમની સરકારો નિયમોની અવગણના કરતી હોવાનું તેમજ વિશ્વસનીયતા અને કાયદેસરતાની બાબતે ખરાબ હોવાનું માને છે. યુરોપિયન યુનિયન વતી કિંગ્સ કોલેજ લંડન (KCL) દ્વારા આયર્લેન્ડ, ઈટાલી, જર્મની, નોર્વે, યુકે અને પોલેન્ડ સહિત 6 દેશના 12,000થી વધુ લોકોના અભ્યાસ મુજબ યુકેના 62 ટકા લોકો માને છે કે તેમની સરકાર નિયમો અને પ્રોસીજર્સની અવગણના કરી રહી છે. આના માટે ‘પાર્ટીગેટ’ને કારણભૂત ગણાવી શકાય તેમ છે. બીજા ક્રમે પોલેન્ડના 50 ટકા લોકોએ તેમની સરકારને આપખુદ અને મનસ્વી ગણાવી હતી. આ ઉપરાંત, યુકેના 66 ટકા લોકો તેમની સરકાર વિશ્વમાં આદરપાત્ર ન હોવાનું માને છે જ્યારે પોલેન્ડના 76 ટકા લોકો આમ માને છે.

