લંડનઃ ભારતના વિદેશ મંત્રાલયે ખાલિસ્તાની અલગતાવાદીઓના કૃત્યને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, અમે જયશંકરની સુરક્ષામાં સેંધ મારવાના પ્રયાસના ફૂટેજ જોયાં છે. અલગતાવાદીઓ અને કટ્ટરવાદીઓના નાનકડા જૂથ દ્વારા કરાયેલી આ ઉશ્કેરણીજનક પ્રવત્તિને અમે વખોડી કાઢીએ છીએ. અમે લોકશાહીના નામે મળતી સ્વતંત્રતાના દુરુપયોગને પણ વખોડીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે યુકેની સરકાર આ પ્રકારના કિસ્સાઓમાં તેની રાજદ્વારી જવાબદારીઓનું પાલન કરશે.
લંડનમાં ચાથમ હાઉસની બહાર જયશંકરના કાફલાને અટકાવવાના ખાલિસ્તાની અલગતાવાદીના પ્રયાસને યુકેની સરકારે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. સરકારે જણાવ્યું છે કે જાહેર કાર્યક્રમોમાં ઉત્પાત મચાવવા, વિક્ષેપ પાડવાના પ્રયાસો અસ્વીકાર્ય છે.
ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આ ઘટનાને સંપુર્ણપણે વખોડી કાઢીએ છીએ. યુકેમાં તમામને શાંતિપૂર્ણ દેખાવનો અધિકાર છે પરંતુ જાહેર કાર્યક્રમોમાં ઉત્પાત મચાવવા, વિક્ષેપ પાડવાના પ્રયાસો અસ્વીકાર્ય છે. પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અમે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ પ્રમાણે રાજદ્વારી મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ.
મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસે જયશંકરની કાર સામે દોડી જનાર ખાલિસ્તાની સમર્થકને તાત્કાલિક ઝડપી લીધો હતો. અમે આ મામલામાં કોઇ ધરપકડ પણ કરી નથી.

