લંડનઃ યુકે સરકારે વ્હાઈટ સુપ્રમસીમાં માનતા Atomwaffen Division ગ્રૂપ પર પ્રતિબંધ લાદવા અને તેના ઉપનામી નેશનલ સોશિયાલિસ્ટ ઓર્ડરને યાદીમાં મૂકવા તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પાર્લામેન્ટને એટોમવાફેન ડિવિઝનને પ્રતિબંધિત કરવા અને નેશનલ સોશિયાલિસ્ટ ઓર્ડર સંસ્થાને તેનું સાથી જાહેર કરવા જણાવ્યું છે.
મુખ્યત્વે યુએસમાં કાર્યરત શ્વેતોની શ્રેષ્ઠતાતરફી આ જૂથ ‘રેસ વોર’ના સાધનો થકી ફાસીવાદી, શ્વેતવંશી દેશો સ્થાપવા માટે હિંસાના પ્રયોગને પ્રોત્સાહન આપે છે. આ ગ્રૂપના સભ્ય બનવું, સપોર્ટ કરવો કે કોઈને સભ્ય બનવા પ્રોત્સાહિત કરવા તે ક્રિમિનલ ગુનો ગણાશે. આ ગુના બદલ ૧૦ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. કાઉન્ટર-ટેરરિઝમ એન્ડ સેન્ટન્સિંગ બિલને શાહી મંજૂરી મળ્યાં પછી આ સજા વધારીને ૧૪ વર્ષની કરવામાં આવશે.
એટોમવાફેન ડિવિઝને દાવો કર્યો છે કે યુએસ લો એન્ફોર્મેન્ટ એજન્સીઓના ભારે દબાણના પગલે આ જૂથને માર્ચ ૨૦૨૦માં જ વિખેરી દેવાયું છે. જોકે, જુલાઈ ૨૦૨૦માં નેશનલ સોશિયાલિસ્ટ ઓર્ડર દ્વારા પોતાને એટોમવાફેન ડિવિઝનના વારસદાર તરીકે ગણાવ્યું હતું. સરકારે જણાવ્યું છે કે આ એક જ વિચારધારા અને જુદા નામ હેઠળ કામ કરતું જૂથ છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આના જેવા રેસિસ્ટ જૂથો ઘૃણા ફેલાવે છે, વેર વાવે છે અને પોતાની બીમાર વિચારધારાઓને આગળ વધારવા હિંસાના ઉપયોગની તરફેણ કરે છે.