લંડનઃ આતંકવાદી સંગઠન ISISએ બ્રિટન સહિત યુરોપમાં રેસ્ટોરાં સહિતના જાહેર સ્થળોને નિશાન બનાવતા ‘મુંબઇ સ્ટાઇલ’ના હુમલાઓ કરવાની યોજના બનાવી હોવાની ચેતવણી યુરોપિયન યુનિયન પોલિસ એજન્સી યુરોપોલે આપી છે. સંગઠનના પ્રચાર વીડિયોમાં બ્રિટન સહિત અમેરિકાના ૯ સહયોગી દેશો પર હુમલો કરવાની ધમકી ઉચ્ચારી છે.
યુરોપોલના વડા રોબ વૈનરાઇટે જણાવ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ સંગઠને યુરોપને કેન્દ્રમાં રાખી સમગ્ર વિશ્વમાં હુમલો કરવાની યોજના બનાવી છે. યુરોપમાં આતંકવાદ અંગે નવો અહેવાલ જારી કરતા યુરોપોલે જણાવ્યું છે કે ISIS યુરોપને કેન્દ્રમાં રાખી વધુ હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુરોપના તમામ રાષ્ટ્રો આ હુમલાને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
ત્રાસવાદી સંગઠને પેરિસ એટેક પહેલાનો ૧૭ મિનિટનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોને હુમલાની ધમકી અપાઈ છે. યુકે સરકારના પ્રવક્તાએ આ બાબતે જણાવ્યું છે કે, ‘અમે આ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ. આ નવો વીડિયો ઘણો ભયાનક છે.’

