લંડનઃ ગયા સપ્તાહમાં ચાર દિવસના હીટ વેવમાં યુકેમાં સોમવારે તાપમાનનો પારો 33 ડિગ્રી પર પહોંચી જતાં જનતા ત્રાહિમામ પોકારી ગઇ હતી. ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં પારો 33 ડિગ્રીને પાર કરી ગયો હતો. લંડનમાં હિથ્રો ખાતે સૌથી વધુ 33.1 ડિગ્રી અને સેન્ટ જેમ્સ પાર્ક ખાતે 33 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું. વિમ્બલ્ડનમાં શરૂ થયેલી ટેનિસ સ્પર્ધાના પ્રથમ દિવસે જ કાળઝાળ ગરમીને પગલે ખેલાડીઓને આઇસ બેગ્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગરમીમાં રાહત માટે મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારાઓ પર પહોંચી ગયાં હતાં. આજ હીટવેવ સમગ્ર યુરોપમાં જોવા મળ્યો હતો. સ્પેનના એન્ડાલ્યુસિયા ખાતે શનિવારે 46 ડિગ્રી અને પોર્ટુગલમાં મોરા ખાતે 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.