લંડનઃ વિદ્યાર્થી સંગઠન હિન્દુ ઓન કેમ્પસે યુકે, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં હિન્દુફોબિયાની ઘટનાઓ નોંધવા માટે એક વેબસાઇટનો પ્રારંભ કર્યો છે. હાલ આ વેબસાઇટ પર છેલ્લા 4 વર્ષમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી 100 કરતાં વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. આ વેબસાઇટ શૈક્ષણિક સંસ્થાનોમાં હિન્દુઓ સાથે કરાતા ભેદભાવ સામે લડતાં હિન્દુ સંગઠનો અને એડવોકસી જૂથોને મદદરૂપ બની રહી છે.
સોશિયલ મીડિયા એક્સ પર હિન્દુ ઓન કેમ્પસે જણાવ્યું હતું કે, અમે કેમ્પસોમાં પ્રવર્તતા હિન્દુફોબિયાની નોંધ લેવા માટે પહેલી વેબસાઇટ શરૂ કરી છે. હિન્દુ ઓન કેમ્પસની સ્થાપના માર્ચ 2021માં કરાઇ હતી. આ સંગઠન હિન્દુફોબિયા સામે લડત આપવાની સાથે હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ન્યાયી વ્યવહાર થાય તે સુનિશ્ચિત કરે છે.
કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ આ પગલાંને આવકારતાં જણાવ્યું છે કે કોલેજ કેમ્પસોમાં બનતી હિન્દુ વિરોધી ઘટનાઓની નોંધ લેવાઇ રહી છે તે આવકાર્ય બાબત છે. અમે મહત્વના હિતધારકો સાથેની ચર્ચામાં આ માહિતીનો ઉપયોગ કરી શકીશું.