લંડનઃ યુકે સ્થિત એક યુટ્યુબર દંપતી સાથે સંકળાયેલા વિઝા કૌભાંડમાં ભારતના આંધ્રપ્રદેશની પોલીસે જગારલામુડી મધુબન અને તેની પત્ની એન્ને રામા નંદના સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. આ દંપતી પર બ્રિટનમાં નોકરી અપાવવા, વિઝા રિન્યૂ કરવા અને સ્પોન્સરશિપની તકો પૂરી પાડવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મૂળ ગુન્ટુરના વતની અને હાલ યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયેલા મધુબન અને નંદના યુટ્યુબ પર નંદુઝ વર્લ્ડ નામની લોકપ્રિય ચેનલ ચલાવે છે.
ફરિયાદના આધારે પોલીસે મધુબન, રામા નંદના અને મોહન રાવ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. એસીપી દુર્ગા રાવે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આ અંગે બ્યુરો ઓફ ઇમિગ્રેશનને સત્તાવાર વિનંતી મોકલવામાં આવી છે.
પોલીસને શંકા છે કે આ દંપતીએ યુકેના વિઝા અને નોકરીની લાલચ આપીને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અંદાજે 20 જેટલા લોકોને શિકાર બનાવ્યા છે. આ વિઝા ફ્રોડનો કુલ આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.


