લંડનઃ રિસાઇકલિંગ માટે યુકેથી ભારત મોકલાતા કરોડો ભંગાર ટાયરને ખરેખર તો ભારતની ભઠ્ઠીઓમાં બાળવામાં આવે છે જેના કારણે માનવ આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે. યુકેમાંથી નિકાસ કરાતા ભંગાર ટાયરનો મોટો હિસ્સો ભારતના બ્લેક માર્કેટમાં વેચાય છે. ટાયર ઉદ્યોગમાં આ હકીકતથી દરેક વાકેફ છે.
યુકેમાં ટાયર રિસાઇકલિંગના સૌથી મોટા પ્લાન્ટ પૈકીના એકના માલિક ઇલિયટ મેસન કહે છે કે ટાયર ઇન્ડસ્ટ્રીમાં આ હકીકત કોઇ જાણતું ન હોય તેવી કલ્પના પણ હું કરી શક્તો નથી. ટાયર ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો અને ટાયર રિકવરી એસોસિએશન પણ કહે છે કે સરકાર સારી રીતે જાણે છે કે વેસ્ટ ટાયરનો આ રીતે ઉપયોગ થતો હોવા છતાં તેની નિકાસ કરાય છે.
જોકે ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયરમેન્ટ કહે છે કે ભંગાર ટાયરની નિકાસ માટેના આકરા નિયંત્રણો અમલમાં છે. તે માટે અમર્યાદિત દંડ અને જેલની સજાની જોગવાઇ પણ છે.
યુકેમાં જ્યારે વાહનચાલક ટાયર બદલાવે છે ત્યારે તેની પાસેથી 3 થી 6 પાઉન્ડ રિસાઇકલિંગ ફી વસૂલવામાં આવે છે. તેને બાંયધરી આપવામાં આવે છે કે તેના ભંગાર ટાયરને યુકે અથવા તો અન્ય દેશમાં રિસાઇકલ કરાશે.
યુકેમાં દર વર્ષે 50 મિલિયન ટાયર ભંગાર થઇ જાય છે. તેમાંથી 50 ટકા ભારતમાં નિકાસ કરાય છે. ભારતમાં તેનું રિસાઇકલિંગ થવું જોઇએ પરંતુ તેમ થતું નથી. યુકે અને વિશ્વમાંથી ભારતમાં આયાત કરાતા 70 ટકા ભંગાર ટાયરને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સમાં બાળવામાં આવે છે. તેમાંથી સ્ટીલ અને કેટલાક પ્રમાણમાં ઓઇલ એકઠું કરાય છે અને ઉત્પન્ન થતો કાર્બન બ્લેક અન્ય ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે. પાયરોલિસિસ નામની આ પ્રક્રિયા ભયજનક વાયુઓ અને રસાયણો મુક્ત કરે છે. જેના પગલે માનવ આરોગ્ય અને પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચે છે.