યુકેથી ભારત પ્રવાસ માટે હવે ઈ-એરાઈવલ કાર્ડ ફરજિયાત

QR કોડ પ્રવાસ દરમિયાન સાથે રાખવો, એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓને બતાવવાનો રહેશે

Tuesday 12th May 2026 12:33 EDT
 
 

લંડન: બ્રિટનના વિદેશ મંત્રાલય (FCDO) દ્વારા ભારત જતા પ્રવાસીઓ માટેની ટ્રાવેલ એડવાઈઝરીમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી સૂચના મુજબ ભારતીય એરપોર્ટ પર હવે કાગળના ફોર્મ (Paper Disembarkation Forms) સ્વીકારવામાં આવશે નહીં. તેના બદલે ડિજિટલ ઈ-એરાઈવલ કાર્ડને જ પ્રવેશ માટેનો એકમાત્ર સત્તાવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે.

10 મેના રોજ અપડેટ કરાયેલી માર્ગદર્શિકા મુજબ, બ્રિટિશ નાગરિકો અને અન્ય વિદેશી પ્રવાસીઓએ હવે ભારત પહોંચવાના 72 કલાક પહેલા ઓનલાઇન ઈ-એરાઈવલ કાર્ડ ભરવું પડશે. ફોર્મ સબમિટ કર્યા બાદ જનરેટ થયેલો QR કોડ પ્રવાસ દરમિયાન સાથે રાખવો ફરજિયાત છે. એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓને આ QR કોડ બતાવવાનો રહેશે.

ભારત સરકારે એપ્રિલ 2026થી ડિજિટલ એરાઈવલ સિસ્ટમ ફરજિયાત બનાવી હતી પરંતુ શરૂઆતના તબક્કે પ્રવાસીઓની સુવિધા માટે કાગળના ફોર્મની પણ છૂટ આપવામાં આવી હતી. હવે આ છૂટછાટ સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી છે. યુકેની એડવાઈઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે જે પ્રવાસીઓ પાસે ડિજિટલ કાર્ડ નહીં હોય તેમને એરપોર્ટ પર ભારે વિલંબનો સામનો કરવો પડી શકે છે અથવા ભારત પ્રવેશમાં મુશ્કેલી આવી શકે છે.

આ ફેરફારનો હેતુ એરપોર્ટ પર ઈમિગ્રેશનની પ્રક્રિયા ઝડપી બનાવવાનો અને મુસાફરોનો સમય બચાવવાનો છે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફોર્મ ભર્યા પછી QR કોડનો સ્ક્રીનશોટ અથવા પ્રિન્ટઆઉટ પોતાની પાસે સુરક્ષિત રાખે કારણ કે ઘણીવાર સબમિટ કર્યા પછી તેને ફરીથી ડાઉનલોડ કરવામાં ટેકનિકલ મુશ્કેલી પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter