લંડનઃ યુકેમાંથી નિકાસ કરાતા વેસ્ટ ટાયરનો ઉપયોગ ભારતમાં ભઠ્ઠીઓમાં કરાતો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ એન્વાયરમેન્ટ વોચડોગે વેસ્ટ ટાયરની નિકાસ માટેના નિયમો વધુ આકરાં બનાવ્યાં છે. ભારતમાં વેસ્ટ ટાયર ભઠ્ઠીઓમાં બળાતાં હોવાના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાના આરોપ મૂકાયાં હતાં.
યુકેમાં વેસ્ટ રેગ્યુલેશન અંતર્ગત વેસ્ટ ટાયરની નિકાસ ફક્ત રિસાયકલિંગ માટે કરાતી હોય છે. આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 25 મિલિયન વેસ્ટ ટાયરની નિકાસ થાય છે. બીબીસીની તપાસમાં દાવો કરાયો હતો કે ભારતમાં નિકાસ કરાતા વેસ્ટ ટાયરનો ઉપયોગ ગેરકાયદેસર ઉદ્યોગોમાં હીટિંગ પ્રોસેસ માટે કરાય છે અને ઘણાનો અનિયંત્રિત નિકાલ કરાય છે. આ અહેવાલ બાદ એન્વાયરમેન્ટ એજન્સીએ સમીક્ષા હાથ ધરી હતી.
એજન્સીએ જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારતમાં નિકાસ થતા વેસ્ટ ટાયરનો કાયદાકીય જોગવાઇ પ્રમાણે ઉપયોગ થાય છે કે કેમ તે ચકાસવામાં રેગ્યુલેટર નિષ્ફળ રહ્યાં છે. તેથી 1 ઓક્ટોબરથી ભારતમાં નિકાસ થતા તમામ વેસ્ટ ટાયરનો ક્યાં ઉપયોગ થાય છે તેની ચકાસણી ફરજિયાત કરાઇ છે. તેનો અર્થ એ થયો કે વેસ્ટ ટાયરનું રિસાયકલિંગ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે થશે તે પૂરવાર કરવું પડશે.