લંડનઃ યુનિવર્સલ ક્રેડિટ પેમેન્ટ્સ લાભમાં ધરખમ કાપ સહિત વેલ્ફેરમાં મૂકાયેલી કપાતોના કારણે દેશના 3.2 મિલિયન પરિવારને સરેરાશ વાર્ષિક 1,720 પાઉન્ડ ગુમાવવા પડશે તેમ સત્તાવાર વિશ્લેષણમાં જણાવાયું છે. આ ઉપરાંત, વધુ 250,000 લોકો 2029/30 સુધીમાં ગરીબીમાં ધકેલાઈ જશે.
સત્તાવાર વિશ્લેષણ અનુસાર જેઓ ડિસેબિલિટી પેમેન્ટ્સના હકદાર છે તેમને સૌથી વધુ સહન કરવાનું આવશે. આના પરિણામે સાપેક્ષ ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા વધુ 50,000 બાળકોના ઉમેરા સાથે લગભગ 14.5 મિલિયનના આંકડે પહોંચી જશે. આ એનાલિસીસથી ડિસેબિલિટી કેમ્પેઈનર્સમાં ભારે રોષ ફેલાયો છે. લેબર પાર્ટીના ઘણા સાંસદો આ પગલાં વિરુદ્ધ મતદાન કરે તેવી શક્યતા પણ છે.
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી લિઝ કેન્ડાલે ગત સપ્તાહે વધુ લોકો કામ પર ચડે અને ટ્રેઝરી માટે બિલિયન્સ પાઉન્ડની તત્કાલ બચત કરાવે તેવા આશયથી બેનિફિટ્સ સિસ્ટમમાં મોટા ભાગના સુધારાની રૂપરેખા જાહેર કરી જ હતી. આ સુધારાઓમાં લોકોને કામે ચડવામાં મદદ કરવા 1 બિલિયન પાઉન્ડની યોજના તેમજ અક્ષમતા બેનિફિટ્સમાં ફેરફારોનો સમાવેશ થયો હતો. જોકે, સૌથી વધુ નોંધપાત્ર પગલાંમાં દાવેદાર લોકોની સંખ્યા ઘટાડવા પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ્સ (Pips)ના ધોરણોમાં બદલાવનો મુદ્દો હતો. આ ફેરફારો અંતર્ગત જે લોકો પોતાના શરીરને ધોઈ-સાફ કરી શકતા નથી કે પોતાના માટે રાંધી શકતા નથી તેઓ અન્ય મર્યાદારૂપ કંડિશન ન હોય તો Pips માટે દાવો કરી શકશે નહિ.
બીજી તરફ, કેન્ડાલના પેકેજથી ધારી બચત થઈ શકશે નહિ તેમ જણાતા તાજેતરમાં શ્રેણીબદ્ધ કાપની જાહેરાતો કરાઈ છે. હાલ370,000થી વધુ લોકો Pipsના ક્લેઈમ કરે છે તેમણે આ રકમ ગુમાવવાનો વારો આવશે તેમજ ભવિષ્યમાં આવા લાભના દાવા માટે હકદાર થનારા વધુ 430,000 લોકોને લાભ મળશે નહિ. સરેરાશ આ લોકો વાસ્તવમાં વાર્ષિક 4,500 પાઉન્ડ ગુમાવશે. વધુ 150,000 લોકો અથવા 10 અવેતન કેરરમાંથી એક લેખે કેરર્સ એલાવન્સની સુવિધા ગુમાવશે. સરેરાશ વાર્ષિક 4,500 પાઉન્ડનું Pips નુકસાન અને કેરર્સ એલાવન્સમાં વાર્ષિક 4,250 પાઉન્ડનું નુકસાન સહિત કેટલાક પરિવારોએ વાર્ષિક 8,740 પાઉન્ડનું નુકસાન સહન કરવું પડશે