લંડનઃ ગ્રુમિંગ ગેંગોની ગંભીર સમસ્યા પરના સાંસદોના એક રિપોર્ટે ફરી એકવાર ચકચાર જગાવી છે. છેલ્લા ઘણા દાયકાથી આ સમસ્યા બ્રિટિશ સમાજોને ભયભીત કરી રહી છે. રિપોર્ટમાં મુખ્યત્વે પાકિસ્તાની મૂળના અપરાધીઓ સાથેની ગ્રુમિંગ ગેંગો કેવી રીતે કામ કરી રહી છે તેના પર પ્રકાશ પડાયો છે. રિપોર્ટના તારણોએ ફરી એકવાર જનતામાં રોષ ભડકાવ્યો છે. ગ્રુમિંગ ગેંગો સામે નક્કર પગલાંની માગ બુલંદ બની છે.
બ્રિટનના 85 વિસ્તારોમાં પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ સક્રિય હોવાનો આરોપ સાંસદ રૂપર્ટ લોવે દ્વારા મૂકાયો છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર લોવેએ જણાવ્યું હતું કે, આ ગ્રુમિંગ ગેંગોના મોટાભાગના સભ્યો પાકિસ્તાની મૂળના છે. રૂપર્ટે આરોપ મૂક્યો છે કે આ લોકો દાયકાઓથી અપરાધ કરી રહ્યાં છે પરંતુ સરકાર અને પોલીસ આંખ આડા કાન કરી રહી છે.
રૂપર્ટ લોવેના નેતૃત્વ હેઠળ કરાયેલી તપાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુકેના ઓછામાં ઓછા 85 વિસ્તારમાં ગ્રુમિંગ ગેંગો સક્રિય છે. દાયકાઓથી તેમના દ્વારા બાળકોનું જાતીય શોષણ થઇ રહ્યું છે. તેઓ સુનિયોજિત રીતે ગ્રુમિંગ, ડ્રગ્સ, બળાત્કાર અને ટ્રાફિકિંગ કરી રહ્યાં છે. રિપોર્ટમાં પોલીસ અને સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવાયા છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અપરાધીઓની વંશીય ઓળખ કરવામાં પણ ગંભીર ખામીઓ રહેલી છે જેના કારણે આ અપરાધો કેટલા વ્યાપક છે તે જાણવાના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યાં છે. રેસિઝમના આરોપ ન મૂકાય તે માટે અપરાધીની વંશીય ઓળખ જાહેર કરાતી નથી.
લોવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મને પહેલાં વિશ્વાસ નહોતો કે પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગો આટલી વ્યાપક રીતે સક્રિય હશે. બળાત્કારીઓને અવગણી શકાય નહીં.


