લંડનઃ સરકારે એરપોર્ટ ખાતે નવા સિક્યુરિટી સ્કેનર લગાવવાની સમયમર્યાદા એક વર્ષ માટે લંબાવી દેતાં પ્રવાસીઓ મર્યાદિત માત્રામાં જ પ્રવાહી પદાર્થો લઇ જઇ શકશે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટે 1 જૂન 2024 સુધીમાં યુકેના તમામ એરપોર્ટ પર થ્રીડી સ્કેનર લગાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ હવે આ સમયમર્યાદા એક વર્ષ માટે લંબાવી દેવાઇ છે કારણ કે કેટલાક મોટા એરપોર્ટ સમયસર તૈયાર થઇ શકે તેમ નથી.
હિથ્રો, ગેટવિક અને માન્ચેસ્ટર એરપોર્ટ્સ ગ્રુપે જણાવ્યું હતું કે, અમે સમયમર્યાદામાં કામ પુરું કરી શકીએ તેમ નથી. અમને આશા છે કે નવા સ્કેનર 2025માં સંપુર્ણપણે કાર્યરત થઇ જશે. હાલમાં કેરી ઓન લગેજમાં ફક્ત 100 મિ.લી. પ્રવાહી પદાર્થ લઇ જઇ શકાય છે. આ સ્કેનરો સંપુર્ણ કાર્યરત થયા બાદ બે લિટર સુધી પ્રવાહી પદાર્થ લઇ જવાશે. સિક્યુરિટી પ્રોસેસ ઝડપી બનતાં હેન્ડ બેગેજમાંથી પ્રવાહી પદાર્થ અને લેપટોપ બહાર કાઢવાની પણ જરૂર રહેશે નહીં.
એક સોફ્ટ ડ્રિંક બોટલમાં પ્રવાહી લઇ જઇને એક ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઇટને ફૂંકી મારવાના કાવતરાને નિષ્ફળ બનાવાયા બાદ 2006માં પ્રવાહી પદાર્થો લઇ જવા પર પ્રતિબંધ લદાયો હતો. સરકાર કહે છે કે આ પ્રતિબંધ સમગ્ર ઉનાળા દરમિયાન અમલમાં રહેશે.


