લંડનઃ યુકેના કરદાતાઓના નાણાથી બિઝનેસીસ અને વ્યક્તિઓને અપાયેલી કોવિડ લોન્સના નાણાનો દુરુપયોગ થતો રહ્યો છે. કોવિડ સપોર્ટ લોન્સના નાણા ભરેલી સૂટકેસીસ યુકેની સરહદોએ જપ્ત કરવામાં આવી છે. આ નાણા દેશની બહાર લઈ જવાનો પ્રયાસ કરાતો હોવાનું કહેવાય છે. સપોર્ટ લોન્સ મેળવનારા ઘણા લોકોએ નાણાનો ઉપયોગ જુગાર ખેલવામાં, ઘરના સમારકામ અને કાર, વોચીસ ખરીદવા પાછળ કર્યો હોવાનું ધ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે.
બોર્ડર ફોર્સના અધિકારીઓએ બ્રિટનના એરપોર્ટ્સ પર મોટી રકમો લઈ જતા લોકોને અટકાવ્યા હતા. આ રકમો કોરોના વાઈરસ બાઉન્સ બેક લોન્સની હોવાની શંકા છે તેમ હોમ ઓફિસના સૂત્રે જણાવ્યું હતું. હોમ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે યુકેના એરપોર્ટ્સ પર મોટા પ્રમાણમાં બાઉન્સ બેક લોન્સમાં મેળવાયેલી રોકડ રકમો લઈ જતા પેસેન્જર્સને અટકાવાયા હતા. આ નાણા પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ હેઠળ જપ્ત કરાયા હતા અને તપાસ ચાલુ કરી દેવાઈ હતી.
મહામારી દરમિયાન બિઝનેસીસને સપોર્ટ કરવા લોન્સ સ્કીમ મૂકાઈ હતી જેનો દુરુપયોગ કરાયો હોવાનું બહાર આવતા અનેક કંપની ડાયરેક્ટર્સને ગેરલાયક પણ ઠરાવાયા છે. આ ગેરલાયકાત 15 વર્ષ સુધીની હોઈ શકે છે. ઘણા લોકોએ બિઝનેસીસ માટે લીધેલી લોન્સ પર્સનલ બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી પોતાની પાછળ ખર્ચ કરી હતી. સરકારે બિઝનેસીસને આપેલી 47 બિલિયન પાઉન્ડ્સની બાઉન્સ બેક લોન્સમાંથી 17 બિલિયન પાઉન્ડ્સની રકમ કદી પાછી નહિ આવે તેમજ 4.9 બિલિયન પાઉન્ડ્સ ફ્રોડમાં ગુમાવવા પડશે તેવો અંદાજ છે.
આંકડાઓની નજરે મહામારી લોન્સ......
• £80 બિલિયન ---- સરકારની ગેરન્ટી હેઠળ બેન્કો દ્વારા અપાયેલી કોરોના મહામારી લોન્સ
• £15 બિલિયન ---- તમામ કોરોના વાઈરસ સપોર્ટ્સ સ્કીમ્સમાં ‘ફ્રોડ અને ભૂલ’ના કારણે અંદાજિત નુકસાન.
• £100 મિલિયન ---- લોકડાઉન થયા પછી ઈન્કોર્પોરેટ કરાયેલી કંપનીઓ દ્વારા ઈન્ટરપ્શન લોન્સ મેળવાઈ હતી.
• 63,968 --- બિઝનેસીસ પર મહામારી લોન્સનું દેવું બાકી હોવાથી સરકારે તેમને બંધ થતી અટકાવવી પડી છે.
•3માંથી 1 ---- માર્ચ સુધીના ત્રણ મહિનામાં બાઉન્સ બેક લોન્સનો દુરુપયોગ કરનારા ડાયરેક્ટર્સ ગેરલાયક ઠરાવાયા.
સ્રોતઃ Gov.uk, સંસદીય પ્રશ્નો અને Times research


