લંડનઃ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ જણાવ્યું છે કે યુકે અને કેનેડાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ભારતમાં અને ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ્સને આ બંને દેશોમાં પ્રેકટિસની પરવાનગી મળી શકે છે. ICAIના પ્રમુખ રણજિત કુમાર અગરવાલે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવનો રેસિપ્રોકલ બેઝ પર આકરો અમલ કરાશે જે અંતર્ગત ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ્સને પણ આ બંને દેશમાં પ્રેકટિસ કરવાની પરવાનગી અપાશે.
અગરવાલે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં પહેલીવાર વિદેશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ભારતમાં પ્રેકટિસ કરવાની પરવાનગી અપાશે. હાલ યુકે અને કેનેડા સાથે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી મંત્રણામાં આ પ્રસ્તાવનો સમાવેશ કરાયો છે. આ પ્રકારનો કરાર ઓસ્ટ્રેલિયા સાથે પણ વિચારાધીન છે. એકવાર રેસિપ્રોકલ સિસ્ટમ અમલમાં આવતાં વિદેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ICAI સાથે નોંધણી કરાવી શકશે. વિદેશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રેગ્યુલેટ કરવાની કામગીરી ICAI દ્વારા કરાશે.
અગરવાલે જણાવ્યું હતું કે, જો આ પ્રસ્તાવ અંગે યુકે અને કેનેડા પણ સહમત થશે તો બંને દેશ માટે લાભકારક સ્થિતિ હશે. યુકેમાં વસતી વૃદ્ધ બની રહી છે અને મોટાભાગની કામગીરી યુકેથી ભારતમાં આઉટસોર્સ કરાય છે. તે ઉપરાંત ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ આ દેશોમાં કામગીરી કરી શકશે. પોતાની ક્ષમતા અને નિપુણતાના કારણે વિદેશોમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની વ્યાપક માગ છે.


