લંડનઃ યુકેના જનરલ પ્રેક્ટિશનર્સ (જીપી) અથવા ફેમિલી ડોક્ટર્સમાં તણાવનું સ્તર સૌથી ઊંચું હોવાનું 10 દેશોના ડોક્ટર્સના અભ્યાસથી જણાયું છે. સતત કામકાજનો થાક, કામ અને જીવન વચ્ચે નબળી સમતુલા, નોકરીમાં અપૂરતા સંતોષ અને જીરવી ન શકાય તેવાં ભારે દબાણના કારણે NHSના ફેમિલી પ્રેક્ટિશનર્સ એપોઈન્ટમેન્ટ દરમિયાન પેશન્ટસને ઓછો સમય પણ આપે તેમજ નિવૃત્તિનો વિચાર કરતા થઈ જાય છે.
હેલ્થ ફાઉન્ડેશનના સર્વે અનુસાર ભારે કાર્યબોજ, અપાર પેપરવર્ક અને સંવેદનાત્મક પરેશાનીની લાગણીથી પીડિત ઘણા જીપી પેશન્ટ્સને નિયમિત તપાસતા બંધ થઈ જાય છે અથવા નિવૃત્ત પણ થઈ જતા હોવાનું જણાયું છે. NHSના 10માંથી 7 (71 ટકા) ફેમિલી ડોક્ટર્સને તેમની નોકરી ભારે તણાવપૂર્ણ લાગે છે. આવી જ પરિસ્થિતિ જર્મનીના ફેમિલી ડોક્ટર્સની છે. યુએસસ્થિત કોમનવેલ્થ ફંડ ગ્લોબલ હેલ્થ થિન્ક ટેન્ક દ્વારા યુકેના 1,010 જીપી ઉપરાંત, યુએસ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિત 10 દેશના 9,526 પ્રાઈમરી કેર ડોક્ટર્સ પાસેથી ગયા વર્ષે એકત્ર કરાયેલા ડેટાની ચકાસણી હેલ્થ ફાઉન્ડેશને કરી હતી.
સર્વેમાં જણાયું હતું કે, 2020ની શરૂઆતમાં કોવિડ19 ત્રાટક્યો તે પછી ડોક્ટર્સ સૌથી વધુ તણાવ હેઠળ રહે છે. યુકેના જીપીમાં દબાણ, તણાવ અને નકારાત્મક લાગણીઓમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. તાજેતરના વર્ષોમાં પૂર્ણકાલીન ડોક્ટર્સની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેઓ આગામી એકથી ત્રણ વર્ષમાં પેશન્ટ્સને નિયમિત મળવાનું પણ બંધ કરે તેવી શક્યતા છે. ક્વોલિફાઈડ જીપીઝ મોટા પ્રમાણમાં આ વ્યવસાયમાં આવવાના બદલે તેને છોડી રહ્યા છે. બ્રિટિશ જીપીસ નેમેડિસીનની પ્રેક્ટિસમાં સૌથી ઓછો સંતોષ મળે છે. અગાઉ 2012માં NHSના ફેમિલી પ્રેક્ટિશનર્સ સૌથી વધુ સંતોષ ધરાવતા હતા પરંતુ, હવે માત્ર 24 ટકાને જ ઘણો સંતોષ છે. મહામારી પછી તેમના કાર્યબોજમાં ભારે વધારો થયો છે જ્યારે તણાવ 11 ટકા વધ્યો છે. અડધોએડધ બ્રિટિશ જીપીઝ માને છે કે કોવિડ પછી પેશન્ટ્સ અપાતી તેમની સારવારની ગુણવત્તા ઘણી ખરાબ થઈ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એનેડ સોશિયલ કેર (DHSC)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 2022માં ઈંગ્લેન્ડમાં જનરલ પ્રેક્ટિસમાં ડોક્ટરોની સંખ્યામાં 400થી વધુનો વધારો થયો છે જે 2019ની સરખામણીએ 2000થી વધુ છે.જીપીસના તણાવને નિહાળતા ફાર્માસિસ્ટ્સ, ફીઝિયોથેરાપિસ્ટ્સ અને નર્સીસ સહિત 25000થી વધુ સ્ટાફની ભરતી કરી છે.


