લંડનઃ ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના સભ્યોએ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જૈન ધર્મ પ્રાચીન ભારતીય હિંદુ ધર્મ છે અને શિક્ષણ, કલા અને સંસ્કૃતિના માધ્યમથી દયા અને અહિંસાનો સંદેશો ફેલાવે છે. પોપ ફ્રાન્સિસે તેમને સંબોધતા કુદરત અને ધરતી માતાનું જતન કરવાની જવાબદારી આપણા સૌની હોવાનું કહ્યું હતું. જૈન અગ્રણીઓ વિશ્વને જે રીતે મૂલવે છે તે બદલ પોપે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોપે જણાવ્યું હતું,‘ આપણને સૌને પૃથ્વી માતા પ્રત્યે સ્નેહ છે, કારણ કે તેણે આપણને જીવન આપ્યું છે અને તે આપણું રક્ષણ કરે છે, હું તેને સિસ્ટર અર્થ પણ કહેવાનું પસંદ કરીશ કારણ કે તે આપણા અસ્તિત્વની યાત્રા દરમિયાન આપણને સાથ આપે છે. આપણે માતા અથવા બહેનની જે રીતે મૃદુતા, જવાબદારી અને શાંતિપૂર્વક સંભાળ લેતા હોઈએ છીએ તેવી રીતે તેની કાળજી લેવાની આપણી ફરજ છે.’
પોપે ઉલ્લેખ કર્યો હતો કે આ મુલાકાતે તેમને પૃથ્વીની માવજત અને જતન કરવું તે સમગ્ર માનવજાતની માવજત અને જતન કરવા સમાન છે તેવા આદર્શથી તેમની સાથે સાંકળ્યા છે.
પોપ ફ્રાન્સિસને ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી તરફથી તીર્થંકરની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો. પોપે જૈન અગ્રણીઓને જણાવ્યું હતું કે તેમને મળીને તેઓ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.


