યુકેના જોબ માર્કેટમાં વંશીય લઘુમતી સમુદાયના કર્મચારીઓને ઘોર અન્યાય

વંશીય લઘુમતીઓને વેતનમાં અસમાનતા અને પ્રમોશનની ઓછી તકોનો સામનો કરવો પડે છે, ઝીરો અવર્સ કોન્ટ્રક્ટ્સ પર પ્રતિબંધ મૂકવા ટ્રેડ યુનિયન કોંગ્રેસની માગ

Tuesday 20th February 2024 12:17 EST
 

લંડનઃ યુકેમાં કામ કરતા વંશીય લઘુમતી સમુદાયના ઘણા લોકોને વેતનમાં અસમાનતાનો સામનો કરવાની સાથે આગળ વધવાની તકો પણ ઓછી પ્રાપ્ત થાય છે. વંશીય લઘુમતી સમુદાયમાંથી આવતી મહિલાઓને પણ આ આર્થિક અસમાનતાની પીડા વેઠવી પડે છે. ટ્રેડ યુનિયન કોંગ્રેસના રિસર્ચ અનુસાર 2011થી 2022ના દાયકામાં વંશીય લઘુમતી સમુદાયના કામદારોમાં નોકરીની અસુરક્ષા બમણી થઇ છે. આ સમયગાળામાં અસુરક્ષિત કામદારોની સંખ્યા 7,00,000થી વધીને 2022માં 39 લાખ પર પહોંચી છે. જેમાં વંશીય લઘુમતી સમુદાયના કામદારોની સંખ્યા 66 ટકા છે.

અસુરક્ષિત નોકરીમાં ઝીરો અવર કોન્ટ્રાક્ટ્સ, સીઝનલ કોન્ટ્રાક્ટ્સ, એજન્સી અથવા હંગામી નોકરી, ઓછી આવક આપતો સ્વરોજગારનો સમાવેશ થાય છે. ઝીરો અવર્સ કોન્ટ્રાક્ટ્સમાં ઓછું વેતન આપવામાં આવે છે, અલગ અલગ સમયે અલગ અલગ કલાકો માટે કામ કરવું પડે છે અને નોકરીની ગેરંટી ઘણી ઓછી રહે છે.

2022માં ઝીરો અવર કોન્ટ્ર્ક્ટ પર કામ કરતા કામદારોની સંખ્યા 1.18 મિલિયન હતી જેમાં વંશીય લઘુમતી સમુદાયના કામદારોની સંખ્યા 5.7 ટકા હતી. જેની સામે શ્વેત કામદારોની સંખ્યા 3.2 ટકા હતી. વંશીય લઘુમતી સમુદાયની મહિલાઓની સંખ્યા 3 ગણી હોવાનું મનાય છે.

ટ્રેડ યુનિયન કોંગ્રેસે ચેતવણી આપી છે કે જોબ માર્કેટમાં માળખાકીય રેસિઝમ વંશીય લઘુમતી સમુદાયોની મહિલાઓને  નોકરી કરતાં અટકાવે છે. જો નોકરી કરે તો પણ તેમને ઘણા ઓછા વેતને અને ઘણા ઓછા અધિકારો સાથે કામ કરવું પડે છે. ટીયુસીએ ઝીરો અવર્સ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પર પ્રતિબંધ સહિતના પગલાંની માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter