યુકેના ડ્રગ લોર્ડ મુહમ્મદ આસિફ હફિઝને અમેરિકામાં 16 વર્ષની કેદ

બિઝનેસમેન અને ડ્રગ લોર્ડની બેવડી જિંદગી જીવતો હફિઝ રાજવી પરિવાર સહિત હાઇપ્રોફાઇલ લોકો સાથે સારા સંબંધ ધરાવતો હતો

Tuesday 10th June 2025 11:55 EDT
 
 

લંડનઃ યુકેમાં સમૃદ્ધ બિઝનેસમેન અને ડ્રગ લોર્ડ તરીકેની બેવડી જિંદગી જીવનાર મુહમ્મદ આસિફ હફિઝને ન્યૂયોર્કમાં 16 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 66 વર્ષીય હફિઝને બ્રિટિશ અને અમેરિકી અધિકારીઓના સંયુક્ત ઓપરેશન બાદ વર્ષ 2023માં યુકેમાંથી દેશનિકાલ કરાયો હતો. ગયા નવેમ્બરમાં તેણે પોતાના પર મૂકાયેલા આરોપોની કબૂલાત કરી લીધી હતી. હફિઝ વર્ષ 2017થી કસ્ટડીમાં હતો તેથી તેની સજા વર્ષ 2033માં પૂરી થશે.

હફિઝ યુકેમાં હતો ત્યારે ગ્લોબલ બિઝનેસમેન અને પ્રતિષ્ઠિત લંડન પોલો ક્લબનો એમ્બેસેડર હતો. તેના બ્રિટિશ રાજવી પરિવારના સભ્યો સાથે પણ સારા સંબંધો હતાં. તે યુકે અને મીડલ ઇસ્ટના સત્તાવાળાઓને નિયમિત રીતે ડ્રગ્સની દાણચોરીની બાતમી આપતો અને આ રીતે ડ્ર્ગ્સના મોટા જથ્થાને પકડવામાં સફળતા મળતી હતી.

પરંતુ તે બેવડી જિંદગી જીવતો હતો. અમેરિકી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર હફિઝ વિશ્વના ડ્રગ્સ માફિયાઓ પૈકીનો એક હતો. તે યુકેમાં બેઠાં બેઠાં પાકિસ્તાન અને ભારતમાંથી ટનબંધ હેરોઇન, હશિશ સહિતના માદકદ્રવ્યોનું સામ્રાજ્ય ચલાવતો હતો. તે તેની હરિફ ગેંગોની માહિતી સત્તાવાળાને આપતો જેથી દાણચોરીમાં સ્પર્ધા ઘટાડી શકાય. અંડરવર્લ્ડમાં તેને સુલતાનના નામે ઓળખવામાં આવતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter