લંડનઃ યુકેના એક થિયેટરમાં પ્રેક્ષકોના અભદ્ર વ્યવહારના કારણે ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવી દેવાયું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલી વીડિયો ક્લિપમાં થિયેટરના કર્મચારીઓ પ્રેક્ષકોને તેમની મર્યાદામાં રહેવા સમજાવી રહેલા જોઇ શકાય છે. વાત જાણે એમ છે કે થિયેટરમાં તેલુગુ ફિલ્મ હરી હરા વીરા મલ્લુનું સ્ક્રિનિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન કેટલાક પ્રેક્ષકો દ્વારા કોનફેટી ઉડાડીને થિયેટરમાં કચરો ફેલાવવામાં આવી રહ્યો હતો. તેમના આ વ્યવહારના કારણે ફિલ્મ અટકાવી દેવાની ફરજ પડી હતી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઇ રહી છે. ઘણા લોકોએ પ્રેક્ષકોના આ વ્યવહારની ટીકા કરી હતી જ્યારે કેટલાકે થિયેટરની પણ ટીકા કરી હતી. એક સોશિયલ મીડિયા યૂઝરે જણાવ્યું હતું કે, તમે જે સ્થળે હોવ તે સ્થળનું સન્માન કરવું જોઇએ. ફક્ત ભારતીય ફિલ્મ પ્રદર્શિત થઇ રહી હોવાથી કોઇ નિયમ લાગુ થતા નથી તેમ માની લેવું જોઇએ નહીં. એક અન્ય યૂઝરે જણાવ્યું હતું કે, પ્રેક્ષકોના આવા વ્યવહારના કારણે જ વિદેશમાં ઘણા થિયેટરો ભારતીય ફિલ્મોનું પ્રદર્શન કરતાં નથી. આપણે આપણી ફિલ્મોના સારા એમ્બેસેડર બનવાની જરૂર છે.