લંડનઃ યુકેના દેવાંનો ડુંગર ૨.૨ ટ્રિલિયન પાઉન્ડના આસમાને પહોંચી ગયો છે જે જીડીપીના સંદર્ભે ૧૯૬૧ પછી સૌથી વધુ છે. જૂન મહિનામાં લેવાયેલું કરજ ૨૨.૮ બિલિયન પાઉન્ડ હતું જે રેકોર્ડ મુજબ બીજા ક્રમના વિક્રમી સ્થાને છે. ગયા વર્ષના જૂનમાં ૨૮.૨ બિલિયન પાઉન્ડ કરજ લેવાયું હતું. જોકે, આર્થિક રિકવરીના કારણે તેનું પ્રમાણ ધાર્યા કરતાં ઓછું રહ્યું છે.
ચાન્સેલર રિશિ સુનાકે નોકરીઓ અને બિઝનેસીસને બચાવવા જંગી સપોર્ટ પેકેજના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે દેવાંને અંકુશમાં લાવવા તેઓ મુશ્કેલ પસંદગીઓ કરી રહ્યા છે. જૂન મહિનાના અંત સુધીમાં દેશનું કુલ દેવું ૨.૨ ટ્રિલિયન પાઉન્ડના આસમાને પહોંચી ગયું છે જે જીડીપીના આશરે ૯૯.૭ ટકા જેટલું છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૧ના માર્ચમાં તે જીડીપીના ૧૦૨.૫ ટકા રહ્યું હતું.
સત્તાવાર ડેટા અનુસાર સરકારે વ્યાજદર વધવા સાથે તેના કરજ સંદર્ભે ૮.૭ બિલિયન પાઉન્ડના ઈન્ટરેન્ટની ચૂકવણી કરી હતી. વર્ષ ૨૦૨૦ના જૂનમાં ૨.૭ બિલિયન પાઉન્ડ વ્યાજ ચૂકવાયું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી દેવું ૬૯.૫ બિલિયન પાઉન્ડ થયું છે.