લંડનઃ યુરોપિયન યુનિયન સાથે ૪૭ વર્ષ અથવા તો ૧,૩૧૭ દિવસના ખાસ સંબંધોના અંત પછી યુકે માટે નવા યુગનો પ્રારંભ થયો છે. યુકેમાં પણ લગભગ ચાર વર્ષનો સમયગાળો રાજકીય ખેંચતાણનો રહ્યો હતો, જેમાં જનતાએ ઈયુ રેફરન્ડમ, બે ચૂંટણી અને ત્રણ વડા પ્રધાન જોયાં છે. દેશભરમાં નાગરિકોએ યુકે શુક્રવારની રાત્રે ૧૧ના ટકોરે ઈયુમાંથી બહાર આવ્યું તે ઘટનાને આનંદ અને ઉલ્લાસ સાથે વધાવી લીધી હતી. ચોતરફ ઉજવણીના દૃશ્યો જોવા મળ્યા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘ઘણા લોકો આ પળ કદી નહિ આવે તે વિચારતા હતા તેવી આશાની પળ’ને વધાવી લીધી હતી. બ્રેક્ઝિટ સાથે યુકેની અપાર ક્ષમતા બહાર આવશે તેમ કહેવા સાથે તેમણે ‘માર્ગમાં અવરોધો’ આવવાની ચેતવણી પણ આપી હતી. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે રેફરન્ડમ ઈયુમાંથી બહાર નીકળવાનો જ મત ન હતો પરંતુ, દેશમાં નજરઅંદાજ કરાયેલા વિસ્તારોમાં કાયમી પરિવર્તન લાવવા વિશેનો પણ હતો. તેમણે દેશના સામાન્ય નાગરિકો માટે પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપવા સાથે નવી ઈમિગ્રેશન પદ્ધતિ, મુક્ત વેપાર સમજૂતીઓનો પણ સંકેત આપ્યો હતો. ઈયુમાંથી બહાર આવ્યા પછી પણ ૧૧ મહિના ટ્રાન્ઝીશન પીરિયડ રહેશે અને આ ગાળામાં ઈયુના નિયમોનું બંધન રહેશે તેમજ મુક્ત અવરજવર પણ યથાવત રહેશે. દરમિયાન, ઈયુના બ્રસેલ્સસ્થિત વડા મથકેથી યુકેના રાષ્ટ્રધ્વજને હટાવી લેવામાં આવ્યો છે.
આખરે બ્રિટને ૪૭ વર્ષના સભ્યપદનો અંત આણી યુરોપિયન યુનિયનમાંથી વિદાય લીધી છે. ત્રણ વર્ષની કડવાશસભર રાજકીય ખેંચતાણના ગાળા પછી શુક્રવાર ૩૧ જાન્યુઆરીની રાત્રે ૧૧ના ટકોરે યુકેનો ઈયુ સાથે સત્તાવાર ડાયવોર્સ થયો હતો. હરખઘેલા બ્રેક્ઝિટીઅર નાગરિકોએ ઈયુમાંથી બહાર આવવાની ઘટનાને ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી. સમગ્ર દેશમાં જશ્ન અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ધ માલ અને પાર્લામેન્ટ સ્ક્વેરની આસપાસ યુનિયન જેક ફ્લેગ્સની વાતાવરણ રંગીન થઈ ગયું હતું. બ્રેક્ઝિટ પાર્ટીના નાઈજેલ ફરાજ દ્વારા લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું, જ્યાં. ‘ગોડ સેવ ધ ક્વીન’ અને ‘લેન્ડ ઓફ હોપ એન્ડ ગ્લોરી’ના વૃન્દગાને રમઝટ જમાવી હતી. બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટના પ્રસિદ્ધ બ્લેક ડોર પર લાઈટ શોના પ્રોજેક્શનમાં કાન્ટડાઉન ક્લોક થકી યુરોપીય યુનિયનમાં યુકેની આખરી પળોને લક્ષ્ય તરફ ખસતી દર્શાવવામાં આવી હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ પોતાના સ્ટાફ માટે ખાસ ધાંધલધમાલ વિનાની પાર્ટી યોજી હતી. બ્રિટન હવે ઈયુ સાથેના ૧૧ મહિનાના સંક્રાંતિકાળમાં પ્રવેશ્યું છે જેમાં, બોરિસ સરકાર આગામી ડિસેમ્બર સુધીમાં વેપારસંધિ કરવાના પ્રયાસ કરશે.
આખરે ઈયુમાંથી વિદાય, હવે શું?
બ્રિટને ૩૧ જાન્યુઆરીએ રાત્રિના ૧૧ના ટકોરે આખરે યુરોપિયન યુનિયનમાંથી વિદાય લીધી છે ત્યારે હવે શું થશેનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ઈયુ બ્લોક સાથે અલગ ભલે થયા પરંતુ, તેની સાથેનો વ્યવહાર સદતર બંધ થઈ જવાનો નથી. આગામી ડિસેમ્બરમાં વાસ્તવિક અલગ થવાની ઘડી સાથે બ્રિટન હજુ પણ ૧૧ મહિના બ્રસેલ્સ સાથે મહત્ત્વની વેપાર વાટાઘાટો માટે સંકળાયેલું રહેશે તે પણ હકીકત છે. આ ઉપરાંત, ઈયુના નિયમોથી બંધાયેલા રહેનારા બ્રિટનમાં નાગરિકોની મુક્ત અવરજવર યથાવત રહેવાની છે.
ગત ત્રણ વર્ષ તો ઈયુ સાથે સંબંધ વિચ્છેદ કેવી રીતે કરવો તેની શરતો ઘડી કાઢવાની ખેંચતાણમાં જ વીતી ગયા છે. હવે ભાવિ સંબંધો કેવાં રહેશે કે કેવાં રાખવા છે તેની વિગતો ઘડવામાં આગામી ૧૧ મહિના વીતશે. ઈયુ એ બાબતે આગ્રહ ધરાવે છે કે આ માટે ૧૧ મહિના ઓછો સમય છે પરંતુ, બોરિસ જ્હોન્સન મુદત વધારી આપવાના મૂડમાં નથી. જોકે, ઈયુ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટમાં એક જોગવાઈ એવી પણ છે કે જો બંને પક્ષ સહમત થાય તો ટ્રાન્ઝીશન પીરિયડ એક કે બે વર્ષ વધારી શકાશે. આ સમયગાળો વધારવાનો નિર્ણય પણ જુલાઈ મહિનામાં લેવાનો રહે તેવી પણ જોગવાઈ છે. આમ વાસ્તવિક સમય ઓછો જ રહેશે.
હવે ઈયુ બ્લોકની જોહુકમીમાંથી બહાર આવ્યા છીએ ત્યારે યુકે કોઈની પણ વેપારસંધિ કરવા મુક્ત છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ઈયુ સાથે વેપારસંધિ ઉપરાંત, જાપાન અને યુએસ સાથે ૨૦૨૦માં જ વેપાર સમજૂતીઓ કરી લેવા ઉત્સુક છે. યુરોપ સાથે વેપારસંધિ કરતાં પણ ભારત સહિતના ઉભરતાં બજારો સાથે સંબંધ વિકસાવવામાં તેમને વધુ રસ રહે તે સ્વાભાવિક છે.
બીજી તરફ, જાન્યુઆરી ૨૦૨૧થી ઈયુના કાયદા અને નિયમોમાંથી મુક્ત થવા સાથે યુકેમાં ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરાનાર છે, જેમાં યુરોપને પ્રથમ પસંદગીની પ્રથા બંધ થવા સાથે વિશ્વના તમામ માઈગ્રન્ટ્સને યુકેમાં પ્રવેશની એકસરખી તક મળશે.


