લંડન - યુકેના ફર્સ્ટ લેડી ગણાતા વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ અને તેમની બંને દીકરીઓએ ભારતના ગોવા ખાતે વેકેશન માણ્યું હતું. તેમની સાથે અક્ષતાના માતા સુધા મૂર્તિ અને પિતા તથા ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ પણ જોડાયાં હતાં. પરિવારને ગોવાની રાજધાની પણજીથી 40 કિમી દૂર આવેલા દક્ષિણ ગોવાના બેનૌલિમ બીચ ખાતે આનંદ કરતાં જોવાયાં હતાં. અક્ષતા મૂર્તિએ વોટર સ્પોર્ટ્સ માટે સ્થાનિક માછીમાર અને પેલેના નામથી મશહૂર ફ્રાન્સિસ ફર્નાન્ડિઝનો સંપર્ક કર્યો હતો. ફ્રાન્સિસ કહે છે કે અક્ષતાએ મને સવાલ કર્યો હતો કે શું ગોવામાં વોટર સ્પોર્ટ્સ સુરક્ષિત છે... જવાબમાં મેં જણાવ્યું હતું કે, જો તમે અને તમારો પરિવાર વોટર સ્પોર્ટ્સની મજા માણવા માગો છો તો હું તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખીશ પરંતુ તમે પણ ગોવાના મારા ભાઇબહેનોને બ્રિટનમાં સુરક્ષિત રાખજો અને અક્ષતાએ જણાવ્યું હતું કે હા હું તેમનું ધ્યાન રાખીશ. ફ્રાન્સિસે જણાવ્યું હતું કે, ભારતના દરેક નેતાએ તેમની પાસેથી શીખવું જોઇએ. તેઓ અત્યંત નમ્ર અને નિરાભિમાની વ્યક્તિઓ છે.


