યુકેના બિઝનેસોમાં નવો ઉત્સાહ અને તરવરાટઃ બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સ

ભારત સાથેની વેપાર ભાગીદારીને મજબૂત બનાવવાની સુવર્ણ તકઃ સ્ટીવ લિન્ચ

Tuesday 21st July 2026 10:18 EDT
 

લંડનઃ યુકે – ભારત વેપાર કરાર સત્તાવાર અમલમાં આવ્યા બાદ બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ ટ્રેડ ડિરેક્ટર સ્ટીવ લિન્ચ (MBE)એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો યુકેના બિઝનેસ માટે અત્યંત પડકારજનક રહ્યા છે પરંતુ આ કરાર અમલમાં આવતાની સાથે જ વ્યવસાયિક ક્ષેત્રે એક નવો ઉત્સાહ અને તરવરાટ જોવા મળી રહ્યો છે. આ કરાર ખરેખર એક રોમાંચક અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેનો વેપાર પહેલેથી જ નોંધપાત્ર સ્તરે છે, અને હવે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આપણી પાસે સુવર્ણ તક છે. આ એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય છે, જે વધુ ઉદ્યોગોને આ પારસ્પરિક સંબંધોથી જોડશે તેમજ વેપાર, રોકાણ અને નવી ભાગીદારીની આગામી લહેરના દ્વાર ખોલશે. સમગ્ર યુકેની ચેમ્બર્સ અને ભારતમાં કાર્યરત તેમની સહયોગી સંસ્થા, યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ આ સરકારી નીતિને વ્યવહારિક સ્તરે સફળ બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે.

'યુકે-ઇન્ડિયા ટ્રેડ એક્સિલરેટર'ની સ્થાપના

આ વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે બંને દેશોમાં ભારતીય હાઈ કમિશન અને સ્થાનિક ભાગીદારો સાથે મળીને 'યુકે-ઇન્ડિયા ટ્રેડ એક્સિલરેટર' વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. આ સિસ્ટમ કાર્યરત થતાંની સાથે જ મહત્વાકાંક્ષી કંપનીઓને સફળ થવા માટે જરૂરી માર્કેટ રિસર્ચ, નિયમનકારી માર્ગદર્શન, વિશ્વસનીય વ્યાપારિક સંબંધો અને સ્થાનિક બજારમાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter