યુકેના બિન-ઈયુ નાગરિકો વર્ષે £૩૫,૦૦૦ ન કમાય તો હકાલપટ્ટી

રુપાંજના દત્તા Friday 08th January 2016 05:22 EST
 
 

લંડનઃ નવા વર્ષમાં કેટલાક કાયદા તમારા જીવવા, કામ કરવા અને હળવાશ માણવાની પદ્ધતિને બદલી નાખશે. દેશમાં પાંચથી વધુ વર્ષ કામ કરનારા બિન-ઈયુ માઈગ્રન્ટ્સે એપ્રિલ ૨૦૧૬થી વર્ષે ૩૫,૦૦૦ પાઉન્ડની કમાણી કરવી પડશે અન્યથા તેમને દેશનિકાલ કરવામાં આવશે. આ કાયદાની સૌથી ખરાબ અસર નર્સિંગ ઈન્ડસ્ટ્રીને પડશે. હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે નર્સિંગને શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ (SOL)માં જ રાખવાની હિમાયત કરી છે. તેમણે વાર્ષિક ઈમિગ્રેશન મર્યાદાને ‘કાઉન્ટરપ્રેડક્ટિવ’ ગણાવી હતી.

કોઈ એવું વિચારે કે જિંદગીના આખરી પડાવે રહેલા બ્રિટિશ નાગરિકોની સારસંભાળ લેવામાં એક દાયકો ખર્ચનારી નર્સ આપણા સમાજ માટે સંપત્તિ ગણાય. જોકે, નવા કાયદા મુજબ જો આવી નર્સ ઈયુ દેશની ન હોય અને પાંચથી વધુ વર્ષ બ્રિટનમાં કાર્યરત હોય તો તેણે વાર્ષિક ૩૫,૦૦૦ પાઉન્ડથી વધુ કમાવું પડશે અથવા તેને યુકેમાંથી સ્વદેશ મોકલી દેવાશે.

હોમ સેક્રેટરી થેરેસા મેએ ૨૦૧૨માં જાહેર કરેલી નીતિની રોયલ કોલેજ ઓફ નર્સિંગે જોરદાર ટીકા કરી છે. આ નીતિ હેલ્થ સર્વિસમાં ભારે અરાજકતા ફેલાવશે તેમ જણાવી કાયદામાં SOLમાં નર્સિંગને ઉમેરવા અને વેતનમર્યાદા અંગે ફેરવિચાર કરવા હોમ ઓફિસને વિનંતી કરી છે. આ વેતનમર્યાદા ૨૨,૦૦૦ પાઉન્ડની સરેરાશ રાષ્ટ્રીય આવક કરતા ઘણી ઊંચી છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગ અનુસાર આ કાયદા હેઠળ આશરે ૩,૫૦૦ નર્સને દેશનિકાલ કરવી પડશે, જેનાથી ૨૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ માથે પડશે.

ઈમિગ્રેશન ઘટાડવાના પ્રયાસમાં માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ સ્કીલ્ડ માઈગ્રન્ટ સંબંધિત ટીઅર ટુ વિઝા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કૌશલ્યની અછત અને નિષ્ણાતોના વર્ગમાં આવનારા માટે જ આ વિઝા મર્યાદિત રાખવા સૂચન કરાયું છે. આ સાથે વિદેશી વર્કર્સની ભરતી કરતા બિઝનેસીસ પર સ્કીલ્સ લેવી લાદવા અને વેતનમર્યાદા વધારવા પણ જણાવાયું છે.

ટીઅર ટુ વિઝા રિપોર્ટ જાહેર થતાં જ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિરેક્ટર્સ બિઝનેસ ગ્રૂપે યુકે ઈમિગ્રેશન નીતિમાં ધરમૂળ પરિવર્તન કરવાની હાકલ કરી છે. સરકાર અવાસ્તવિક લક્ષ્યાંક રાખી યુકેના બિઝનેસ અને અર્થતંત્રને લાભ થાય તેવી ઈમિગ્રેશન સિસ્ટમમાં તેને મૂકવાનું અશક્ય બનાવતી હોવાનો આક્ષેપ પણ આ જૂથે કર્યો છે.

બ્રિટિશ એશિયનોના મિશ્ર પ્રતિભાવ

જોસેફ જ્હોનઃ પોતાના દેશમાં કોણ રહી શકે તેનો નિર્ણય કરવાનો જે તે દેશનો વિશેષાધિકાર હોય છે. આથી આ નિયમ ગેરવાજબી નથી. યુકેને અન્યાયી કહેતા પહેલા લોકોએ પોતાના દેશમાં માઈગ્રન્ટ્સ સાથે શું વ્યવહાર થાય છે તે જોવું જોઈએ. ભારતમાં નોકરશાહી વિદેશી નાગરિકનું જીવન દુઃસ્વપ્ન બનાવે છે. ઈયુની શરતોના કારણે ઈયુ નાગરિકો સાથે બ્રિટન આમ કરી શકતું નથી. નર્સનો વ્યવસાય આ દેશમાં ખાસ જરૂરી હોવાથી તેના માટે અપવાદ કરી શકાય.

મેજર (રિટા.) ટિકેન્દ્ર દિવાનઃ ઘૃણાજનક અને સંપૂર્ણપણે ભેદભાવયુક્ત. કોઈ પણ નીતિ ન્યાયી અને પારદર્શક હોવી જોઈએ અને નિશ્ચિતપણે આડેધડ સિદ્ધાંત પર આધારિત હોવી ન જોઈએ.

સાના સિદ્દિકઃ યુકે ઈમિગ્રન્ટ્સને કાયમી વસવાટ ઓફર કરવા બાબતે ઘણું સારું રહ્યું છે, પરંતુ સંજોગો હવે બદલાઈ રહ્યાં છે. અહીં રહેતા લોકોને કેવી રીતે લાભ આપવો તેના પર જ નજર રાખવાની છે. કાયમી વસવાટ માટે કમાણીની શરત સારો વિચાર છે. યુકેના નાગરિક બનવા માટે તમારે સખત મહેનત કરી સારી કમાણી કરવી પડશે તેમ લોકો ગંભીરતાથી વિચારે તેવો સારો અભિગમ છે.

સરોજિની એલિસઃ જો વેતનમર્યાદા કરતા ઓછું કમાતી નર્સીસને હદપાર કરાય અથવા તેમને કાયમી વસવાટ ન અપાય તો હોસ્પિટલમાં સ્ટાફની ઘણી અછત સર્જાશે. તમામ માટે આ સમાચાર ખરાબ છે અને તેમની તાલીમ પાછળ ખર્ચાયેલાં નાણાનો બગાડ છે. અન્ય ઉદ્યોગો પણ આ સમસ્યા અનુભવશે.

રાગસુધા વિન્જામુરીઃ ઈમિગ્રેશન અને કાયમી વસવાટ યુકે માટે બેધારી તલવાર બની ગયેલ છે. એક તરફ, ઓછી લાયકાત/કૌશલ્ય ન ધરાવતા સહિત હજારો ઈયુ માઈગ્રન્ટ્સને સતત વસવાટ માટે આવકારવા અને બીજી તરફ કહેવાતા બેન્ચમાર્ક જેવું વેતન ન મળવા છતાં, અર્થતંત્ર અને સર્વિસ ઈન્ડસ્ટ્રીને સમૃદ્ધ બનાવતા નોન-ઈયુ માઈગ્રન્ટ્સ પર તવાઈ લાવવી. સરકાર કદાચ બાહ્ય આધારને ઘટાડી ઘરઆંગણે કૌશલ્ય અને ટેક્નિકલ જ્ઞાન સુધારવા અને સ્થાનિકો માટે તકોનું રક્ષણ કરવા ઈચ્છતી હશે. આમ છતાં, આરોગ્ય સહિતના ક્ષેત્રો પર લાંબા ગાળાની અસરો વિશે થિન્ક ટેન્કની દૃષ્ટિ ટુંકી જણાય છે.

પૃથા સતીશઃ આ નિયમ ખરેખર અન્યાયી છે. તેમણે નર્સીસ માટે કડક પ્રવેશ પરીક્ષાઓ, અંગ્રેજી ભાષાની પરીક્ષા દાખલ કરી છે., જ્યારે યુરોપિયનો માટે આવી કોઈ પરીક્ષા નથી. આપણે તો યુરોપિયનો કરતા વધુ સારું અંગ્રેજી બોલીએ છીએ તો આવો ભેદભાવ શા માટે? આ નિયમ તો તેમની હાલત વધુ ખરાબ કરશે. સરકારે લોકોને ખોટી આશા બંધાવ્યા વિના કહી જ દેવું જોઈએ કે અમારે ઈમિગ્રન્ટ્સની જરૂર જ નથી.

અમૃતા જોશીઃ માઈગ્રન્ટ્સે અહીં આવી શકે તે પહેલા તેઓ બ્રિટિશ સમાજનો હિસ્સો બની શકશે તે પુરવાર કરવાનું રહે છે. તેમની અરજી, ઈન્ટરવ્યૂ કે આગમન સમયે કહેવાતું નથી કે પાંચ વર્ષ પછી તેમનો પગાર ૩૫,૦૦૦ પાઉન્ડ નહિ થાય તો તેમને કાયમી વસવાટ મળશે નહિ. જે લોકો અહીં જ છે તેમના માટે આ નિયમનો અમલ ગેરવાજબી જ ગણાય. આ કાયદાના અમલ પછી વર્ક વિઝા માટે અરજી કરનારા તમામ માટે લાગુ કરાય તો વાંધો નથી.

દેબશ્રી મિત્રાઃ આ નિયમ નિરાશાજનક છે. બ્રિટનના જીવનધોરણ અને તેઓ લાંબા સમય માટે કોમ્યુનિટીનો હિસ્સો બની શકશે તેવા વિચારથી લોકો યુકે આવે છે. નવો નિયમ મોટા ભાગના માઈગ્રન્ટ્સ અને ખાસ કરીને નર્સીસને મદદરૂપ થતો નથી. ઓછો પગાર અને આવા નિયમો તેમને અહીંથી દૂર જ ધકેલશે. પરિવારને ગમે ત્યારે જવાનું કહેવાશે અને તેમને કાયમી વસવાટ નહિ અપાય તે જાણીને કોણ અહીં લાંબો સમય રહેવાનું પસંદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter