યુકેના ભારતીયોને પ્રતિબંધિત ચલણ બદલવામાં મદદ કરાશે

Wednesday 16th November 2016 06:17 EST
 
 

લંડનઃ ભારતીય ચલણમાંથી રદ થયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની નોટો યુકે ખાતેની ભારતીય બેંકોમાંથી બદલાવી શકાશે. ભારતના યુકેસ્‍થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્‍યું છે કે, જે NRI તાજેતરમાં ભારતના ચલણમાંથી પાછી ખેંચાયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો ધરાવે છે. તેમના માટે યુકેસ્‍થિત ભારતીય બેંકમાં પ્રતિબંધિત નોટ્સ જમા લેવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કરન્સી નિયમો અનુસાર ભારત છોડનારા બીનનિવાસી રહેવાસીઓ રુપિયા ૧૦,૦૦૦ની મર્યાદામાં ભારતીય ચલણ પોતાની સાથે રાખી શકે છે.

જોકે, ગુજરાત સમાચારના ન્યૂઝ એડિટર કમલ રાવે ભારતીય હાઈ કમિશન સમક્ષ આ મુદ્દે પૂછપરછ કરતા તેમને જણાવાયું હતું કે હાઈ કમિશન પાસે નવી દિલ્હીથી કોઈ સત્તાવાર સૂચના આવી નથી. આ સૂચના મળેથી લોકોને તેની માહિતી પૂરી પાડવામાં આવશે.

કાર્યકારી હાઈ કમિશનર પટનાયકે જણાવ્‍યું હતું કે,‘અમારો ઉદ્દેશ મદદ કરવાનો છે. અમે તે માટે દિલ્‍હી પૂછપરછ કરાવી હતી. જેમની પાસે ભારતીય કરન્‍સી છે તેઓ ભારતીય બેંકમાં જમા કરાવી શકે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે કરન્‍સી રૂલ્સ મુજબ દસ હજાર રૂપિયાની મર્યાદામાં બદલાવી શકાશે.

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભ્રષ્‍ટાચાર વિરોધના ભાગ રૂપે રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ ની નવી નોટો બહાર પાડી છે. લોકો તેને ૩૦ ડિસેમ્બર સુધીની અવધિમાં ગમે તે બેંકમાંથી પ્રતિબંધિત નોટોના બદલામાં મેળવી શકશે.

હાઈ કમિશનર નવતેજ સરનાની નિયુક્તિ યુએસમાં ભારતીય એમ્‍બેસેડર તરીકે થયા પછી ડેપ્‍યુટી હાઈ કમિશનર પટનાયક હાઈ કમિશનરનો હંગામી ચાર્જ સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્‍યું હતું. કે કરન્‍સી પર પ્રતિબંધનો હેતુ લીગલ સિસ્‍ટમમાંથી ભ્રષ્‍ટાચારને દૂર કરવાનો છે. આ સંગ્રહિત નાણા પાછા મેળવવા માટેની એમ્નેસ્‍ટી સ્‍કીમ નથી પરંતુ કેશલેસ ટ્રાન્‍સેકશન અમલી બનાવવાનો હેતુ છે. જેથી ભ્રષ્‍ટાચાર આપમેળે કાબુમાં આવે અને નાણા ગેરકાનૂની પદ્ધતિમાંથી કાનુની સિસ્ટમમાં વહેતા થાય.

તેમણે કહ્યું હતું કે, આ સાથે, નક્‍લી ચલણી નોટો માટેની ચિંતાનો પણ આપોઆપ હલ મળી જાય કેમકે વધુમાં વધુ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ ની નોટોની જ નકલ કરાતી હોય છે. નવી રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ ની નોટોમાં ઘણી સલામતી વિશેષતા હોવાથી તેની નકલ ખૂબ જ મુશ્‍કેલ છે.

તમારી સમક્ષના વિકલ્પો

સત્તાવાર માહિતી ન હોવા છતાં અમને કેટલાક માહિતગાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે બિનનિવાસી ભારતીયો પાસે ચલણ બદલાવવા માટે બે વિકલ્પ છેઃ

* તેઓ ખુદ ભારતમાં જઈ તેમના NRO એકાઉન્ટમાં પ્રતિબંધિત કરન્સી ડિપોઝીટ કરાવે. અથવા

* કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને તેમના NRO એકાઉન્ટમાં પ્રતિબંધિત કરન્સી ડિપોઝીટ કરાવવા માટે ઓથોરાઈઝેશન લેટર આપી શકાય છે. આ પત્ર સાથે એકાઉન્ટ હોલ્ડરના માન્ય ID કાર્ડને રજૂ કરવું આવશ્યક રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter