લંડનઃ સ્પોટલાઈન ઓન કરપ્શન ગ્રૂપના અભ્યાસ અનુસાર યુકેના મિનિસ્ટર્સ અને અધિકારીઓએ પાંચ વર્ષમાં 3500 વખત આતિથ્ય માણ્યું હતું. કેટલીક બેન્કો અને કંપનીઓએ મહત્ત્વના વિભાગોના મિનિસ્ટર્સ, સ્પેશિયલ સલાહકારો, અધિકારીઓને મીટિંગ્સ યોજવા માટે લંચ, ડિનર્સ અને ઘણી વખત કાર્યક્રમોની ટિકિટ્સ પૂરી પાડી હતી. સરકારી ડેટાના અભ્યાસથી જણાયું હતું કે પાંચ ડિપાર્ટમેન્ટ્સ- ટ્રેઝરી, કેબિનેટ ઓફિસ, બિઝનેસ, એનર્જી અને સાયન્સના મિનિસ્ટર્સ અને અધિકારીઓએ સૌથી વધુ લાભ મેળવ્યો હતો.
અભ્યાસમાં ટોરી સરકાર સત્તા પર હતી તે 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી 2024ના બીજા ત્રિમાસિક ગાળાનો સમય આવરી લેવાયો હતો. જોકે, કેર સ્ટાર્મર, રાચેલ રીવ્ઝ અને અન્ય કેબિનેટ મિનિસ્ટરોએ કંપનીઓ પાસેથી મનોરંજન કાર્યક્રમો અને ફૂટબોલ મેચીસ માટે ફ્રી ટિકિટ્સ તેમજ મફત વસ્ત્રો અને લેબર દાતા પાસેથી એકોમોડેશન મેળવ્યાનું બહાર આવતા આ મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો છે. ચાન્સેલર રીવ્ઝે સાબ્રીના કારપેન્ટર કોન્સર્ટની મફત ટિકિટ્સ લેવા બદલ તેમના પર ભારે ટીકા કરાઈ હતી. તેમણે બચાવ કર્યાં પછી આખરે કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં મફત કોન્સર્ટ ટિકિટો સ્વીકારશે નહિ.
સરકારે તાજેતરમાં જ આતિથ્ય સ્વીકારવા મુદ્દે પારદર્શિતાની જરૂરિયાત અને સિદ્ધાંતોને સમાવવા મિનિસ્ટર્સ માટે આચારસંહિતાને અપડેટ કરી છે. મિનિસ્ટર્સે તેમના જજમેન્ટ, નિર્ણયને અસર કરે કે સરકારમાં તેમના કાર્યો પર અયોગ્યપણે અસર પાડી શકે તે પ્રકારે કોઈ ગિફ્ટ, હોસ્પિટાલિટી કે સર્વિસ લોકો અથવા સંસ્થાઓ પાસેથી સ્વીકારવી નહિ તેમ જણાવાયું છે.