યુકેના મીડિયાના રિપોર્ટિંગના કારણે હિન્દુઓ પૂર્વગ્રહનો શિકારઃ સરવે

બ્રિટિશ ભારતીયો અને હિન્દુઓ બીબીસી અને ગાર્ડિયનના રિપોર્ટિંગથી સૌથી વધુ નારાજ

Tuesday 02nd January 2024 12:35 EST
 
 

લંડનઃ બ્રિટિશ ભારતીયો અને હિન્દુ સમાજમાં હાથ ધરાયેલા એક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે તેમને  યુકેના મીડિયામાં ગાય, કરી અને જાતિ આધારિત કોલોનિયલ માનસિકતાથી કરાતી ખોટી રજૂઆતોના કારણે પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે. સરવેમાં ભાગ લેનારા 59 ટકા લોકોએ જણાવ્યું હતું કે, બ્રિટિશ મીડિયામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મ અંગે થતા રિપોર્ટિંગના કારણે તેમને પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે. 79 ટકા લોકોએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ પરના મીડિયા રિપોર્ટના કારણે બ્રિટિશ ભારતીયોને નકારાત્મક ધારણાઓનો ભોગ બનવું પડે છે.

ઇનસાઇટ યુકે દ્વારા હાથ ધરાયેલા સરવેમાં 81 ટકા લોકોએ જણાવ્યું હતું કે, યુકેના મીડિયામાં ભારત અંગેના રિપોર્ટિંગના કારણે બ્રિટિશ ભારતીયો માટે નકારાત્મકતા ફેલાય છે. યુકેના મીડિયામાં ભારત અંગે સંતુલિત રિપોર્ટિંગ કરાતું નથી. હિન્દુઓના મામલા પર રિપોર્ટિંગની વાત આવે છે ત્યારે યુકેનું મીડિયા નિષ્પક્ષતા ભૂલી જાય છે.

સરવેમાં મોટાભાગના લોકોએ બીબીસી પ્રત્યે પણ અવિશ્વાસ પ્રગટ કર્યો હતો. 90 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ભારતના સંબંધમાં માહિતીના સંદર્ભમાં બીબીસી સૌથી અવિશ્વસનિય સોર્સ છે. 91 ટકા લોકોએ જણાવ્યું હતું કે, બીબીસી હિન્દુઓ પ્રત્યે સૌથી વધુ નકારાત્મક વલણ ધરાવે છે. બીજા ક્રમે ગાર્ડિયન આવે છે. આ બંને મીડિયા હાઉસ વિરુદ્ધ ભારતીયો અને હિન્દુઓ દ્વારા સૌથી વધુ ફરિયાદો કરવામાં આવે છે. 86 ટકા લોકોએ જણાવ્યું હતું કે, અમે બીબીસીને ફંડ આપતી લાયસન્સ ફીને સમર્થન આપતાં નથી.

91 ટકા લોકોએ જણાવ્યું હતું કે અમને યુકેના મીડિયામાં એશિયન અથવા બ્રિટિશ એશિયન નહીં પરંતુ બ્રિટિશ ઇન્ડિયન, બ્રિટિશ હિન્દુ અથવા ભારતીય ગણાવવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter