લંડન
બ્રિટનમાં ભારતીય સમુદાયના સામુદાયિક આગેવાનોએ એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગનને પાઠવેલા આવેદનપત્રમાં ઇંગ્લેન્ડના અભ્યાસક્રમમાં 10 ભારતીય ભાષાને સ્થાન આપવાની માગ કરી છે. લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
યુકેમાં પંજાબી લેંગ્વેજ અવેરનેસ બોર્ડના ડિરેક્ટર ગરમીતસિંહ ભાકનાએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, એક વાઇબ્રન્ટ સમાજ તરીકે હવે સમય આવી ગયો છે કે યુકેના વિદ્યાર્થીઓ આ ભાષાઓનો પણ અભ્યાસ કરે. અમે પંજાબી, ઉર્દુ, બંગાળી, ગુજરાતી, તામિલ, નેપાળી, મલયાલમ, હિન્દી, તેલુગુ અને મરાઠી ભાષાઓને રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં સ્થાન આપવાની માગ કરીએ છીએ. આ ટોચની 10 દક્ષિણ એશિયન ભાષાઓ ઇંગ્લેન્ડમાં બોલાતી મુખ્ય ભાષાઓ પૈકીની એક છે. હાલ યુકેની શાળાઓમાં ફક્ત ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ ભાષા જ શીખવવામાં આવે છે.
ભાકનાએ જણાવ્યું હતું કે, યુકેના અભ્યાસક્રમમાં પંજાબી ભાષા સામેલ કરવા હું અનેકવાર અપીલ કરી ચૂક્યો છં પરંતુ તેઓ હંમેશા ઇક્વાલિટી એક્ટના બહાને ટાળી દેતાં હતાં પરંતુ હવે અમે 10 ભાષા સામેલ કરવાની માગ કરી છે. તેમને પણ ફ્રેન્ચ ભાષાની જેમ જ શીખવવામાં આવે. અમે સરકારના જવાબની રાહ જોઇ રહ્યાં છીએ.
હાલમાં જ્યારે વિદ્યાર્થી દ્વારા અન્ય ભાષા શીખવવાની વિનંતી કરાય છે ત્યારે શાળાઓ એમ કહેતી હોય છે કે અમારી પાસે તેના માટે બજેટ નથી. તેથી વિદ્યાર્થીએ તે ભાષા અન્ય સ્થળે ફી ચૂકવીને શીખવી પડે છે. ઘણા બ્રિટિશ ભારતીય વિદ્યાર્થીઓ ગુરુદ્વારામાં પંજાબી ભાષા શીખી રહ્યાં છે.
બ્રિટનના આર્થિક ભવિષ્ય માટે ગુજરાતી અને હિન્દી શીખવી જરૂરી – ગેરેથ થોમસ
હેરો વેસ્ટના લેબર એન્ડ કો-ઓપ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગેરેથ થોમસ માને છે કે સરકારે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા દક્ષિણ એશિયન ભાષાઓને મહત્વ આપવું જોઇએ, ભારતનું મજબૂત અર્થતંત્ર બ્રિટન માટે લાભદાયી પૂરવાર થઇ શકે તે માટે એશિયાની ભાષાની જાણકારી જરૂરી છે. ગુજરાતી, હિન્દી અને ઉર્દુનું શિક્ષણ બ્રિટનના આર્થિક ભવિષ્ય અને દેશના યુવાનોની શૈક્ષણિક વિદ્વતા માટે અત્યંત જરૂરી છે.


