લંડનઃ બ્રેડફોર્ડ સ્થિત અલ્ચિતા કેર પર ભારતીય કેર ટેકર્સ સાથે ફ્રોડ આચરવાનો આરોપ મૂકાયો છે. અરુણ જ્યોર્જ (નામ બદલ્યું છે) નામની વ્યક્તિએ યુકેમાં તેની પત્ની માટે કેર વર્કરની નોકરી સુનિશ્ચિત કરવા 15,000 પાઉન્ડની બચત કરી હતી. 2023ના અંતિમ મહિનાઓમાં તેમણએ અલ્ચિતા કેરના મેનેજરોને આ નાણા ચૂકવ્યાં હતાં. બીબીસી પાસે અલ્ચિતા કેરને ચૂકવાયેલા નાણાના પુરાવા છે. અલ્ચિતા કેરે જ્યોર્જના ફેમિલી વિઝા સ્પોન્સર કર્યા હતા. આ માટે જ્યોર્જે કેરળના એક સ્થાનિક એજન્ટની મદદ લીધી હતી.
પરંતુ જ્યારે તેઓ યુકે પહોંચ્યા તેમની પાસે કોઇ કામ જ નહોતું. જ્યોર્જ કહે છે કે અમે વારંવાર કેર હોમના ધક્કા ખાતા હતા પરંતુ તેઓ અમને બહાના બતાવતા હતા. અમે બહુ દબાણ કર્યું ત્યારે તેમણે મારી પત્નીને 3 દિવસ અનપેઇડ તાલીમ આપી હતી. અમે યુકેમાં ટકી શક્યાં નહોતાં તેથી થોડા જ મહિનામાં અમે ભારત પરત ફર્યા હતા. જ્યોર્જનો આરોપ છે કે કંપની દ્વારા મારી સાથે છેતરપિંડી કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોમ ઓફિસે ગયા વર્ષે અલ્ચિતા કેરનું લાયસન્સ રદ કરી નાખ્યું હતું.
જ્યોર્જની જેમ શ્રીદેવી (નામ બદલ્યું છે) પણ કહે છે કે અલ્ચિતા કેર દ્વારા મારી પાસેથી વિઝા સ્પોન્સરશિપ માટે 15,000 પાઉન્ડ વસૂલાયા હતા. 2023માં યુકે આવવા માટે મેં વધુ 3000 પાઉન્ડ ખર્ચ કર્યા હતા. મને આઠ કલાક જોબનું વચન અપાયું હતું પરંતુ તેવું કશું થતું નથી. હું ભાડુ ચૂકવવા અને ભોજન મેળવવામાં સંઘર્ષ કરી રહી છું. મને જેટલા કલાક કામ કરાવવામાં આવે છે તેટલું વેતન પણ ચૂકવાતું નથી.
કેમ્બ્રિજના મેયર અને લેબર નેતા બૈજુ થિટ્ટલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં મેં આ પ્રકારના ઓછામાં ઓછા 10 પીડિતને મદદ કરી હતી. થિટ્ટલાના અંદાજ પ્રમાણે કેરળથી આવેલા 1 થી 2 હજાર લોકો સીધી કે આડકતરી રીતે આ ફ્રોડ સ્કીમનો ભોગ બન્યાં છે અને હજુ યુકેમાં જ છે. કેરળમાં પણ એવા સેંકડો લોકો છે જેઓ નાણા આપીને પણ યુકે પહોંચી શક્યાં નથી.
એલેપ્પીની શિલ્પાએ જણાવ્યું હતું કે, મેં સ્પોન્સરશિપ માટે બેન્કમાંથી 13 ટકાના દરે લોન લીધી હતી. પરંતુ મને બનાવટી સ્પોન્સરશિપ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આજે હું મારી 3 દીકરીઓની સ્કૂલની ફી ચૂકવવામાં પણ સંઘર્ષ કરી રહી છું.