યુકેના વિઝા મેળવવા અઘરાં બન્યાં, 11 નવેમ્બરથી નવા નિયમો અમલી

સ્ટુડન્ટ વિઝા, ફેમિલી વિઝા, સ્કીલ્ડ વર્કર વિઝા માટે કડક નિયમો, સીઝનલ વર્કર્સને લાભ

Tuesday 18th November 2025 09:41 EST
 
 

લંડનઃ યુકે વિઝા નિયમોમાં ઓક્ટોબરમાં જાહેર કરાયેલા બદલાવ 11 નવેમ્બરથી અમલમાં આવી જતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, સીઝનલ વર્કર્સ અને પરિવારો પર તેની અસર પડશે. સસ્તા વિદેશી શ્રમિકો પર આધાર ઓછો કરવા માટે હોમ ઓફિસ દ્વારા નવા ઇમિગ્રેશન પગલાં લેવાયાં છે. યુકેમાં આવી રહેલા માઇગ્રન્ટ્સને ચોક્કસ વિઝા પ્રાપ્ત કરવા માટે અંગ્રેજીની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે.

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ

યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર આવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓએ ખર્ચ માટે જરૂરી રકમ બેન્ક સ્ટેટમેન્ટમાં બતાવવી પડશે. લંડન આવી રહેલા વિદ્યાર્થીઓએ 9 મહિના સુધી પ્રતિ માસ ઓછામાં ઓછા 1529 પાઉન્ડનું બેલેન્સ બતાવવાનું રહેશે જ્યારે લંડનની બહારની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ માટે આવી રહેલા વિદ્યાર્થીએ 1171 પાઉન્ડ પ્રતિ માસનું બેલેન્સ બતાવવું પડશે. બેન્ક ખાતામાં 28 દિવસ માટે બેલેન્સ ફરજિયાત છે.

વિઝાનો ફરજિયાત ઇનકાર

નવા નિયમો અંતર્ગત અપરાધ માટે દોષી ઠરેલા માઇગ્રન્ટ્સને વિઝા અપાશે નહીં. હોમ ઓફિસે ચોક્કસ પ્રકારના અપરાધોમાં અપાતી છૂટછાટો દૂર કરીને ફરજિયાત વિઝા નકારી કાઢવા આદેશ આપ્યો છે. 12 મહિના કે તેથી વધુ કસ્ટોડિયલ સજા મેળવનાર અરજકર્તાને વિઝા અપાશે નહીં. રીઢા ગુનેગારોને વિઝા નહીં અપાય. તે ઉપરાંત સ્યુટેબિલિટી રૂલ્સ અંતર્ગત યુકેમાં મુદત કરતા વધુ રોકાણ કરનાર, નિયમોનું ઉલ્લંઘન કરનાર, ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશનારને વિઝા નહીં અપાય.

સીઝનલ વર્કર્સ

હોર્ટિકલ્ચર વર્કર્સને ઝડપથી યુકેમાં પરત ફરવાની પરવાનગી અપાશે. 10 મહિનાના સમયગાળામાં હોર્ટિકલ્ચર સેક્ટરમાં 6 મહિના સુધી કામ કરી શકાશે. સીઝનલ વર્કર્સ વિઝા સ્કીમને પણ વર્ષ 2029ના અંત સુધી લંબાવી દેવામાં આવી છે.

પરિવારો

સુરક્ષાની ચિંતાઓ હશે તેવા કિસ્સામાં ફેમિલી વિઝા અરજીઓ આપોઆપ નકારી કઢાશે. અરજકર્તાને વાલી અથવા તો વાલીના પાર્ટનર તરફથી કોઇ જોખમ હોય તો અરજી નકારી કઢાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter