યુકેના વિઝાઃ ભારતીયો સહિત બિન ઈયુ ઇમિગ્રન્ટ માટે મોંઘાં

Thursday 17th January 2019 04:04 EST
 
 

લંડનઃ વિદેશના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને તેમના પરિવારના સભ્યો જ્યારે બ્રિટિશ વિઝા માટે અરજી કરે ત્યારે ચૂકવવા પડતા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરાવાને પગલે ભારતીયો સહિત બિનયુરોપિયન નાગરિકો માટેના યુનાઈટેડ કિંગ્ડમના વિઝા મોંઘાં થશે.

યુનાઈટેડ કિંગ્ડમમાં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ૨૦૧૫માં દાખલ કરવામાં આવ્યો હતો. આ સરચાર્જને પગલે યુકેમાં રોકાણ દરમિયાન નેશનલ હેલ્થ સર્વિસનો લાભ મળી શકશે. ૨૦૧૫થી છ મહિના માટે ભારતીયો અને બિનયુરોપિયન નાગરિકોને વિઝા પરના સરચાર્જથી ૬,૦૦૦ લાખ પાઉન્ડથી વધુ એકત્ર કરાયા છે. હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આઠમી જાન્યુઆરી ૨૦૧૯થી ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ બમણો થશે એ વાતનું અમે સમર્થન કરીએ છીએ. અગાઉ, આ સરચાર્જ વર્ષ દીઠ ૨૦૦ પાઉન્ડ હતો, જે વધારીને ૪૦૦ પાઉન્ડ થશે, જ્યારે વિદ્યાર્થીઓ અને યૂથ મોબિલિટી સ્કીમ હેઠળ આ સરચાર્જ ૧૫૦ પાઉન્ડ હતો, જે વધીને ૩૦૦ પાઉન્ડ થશે.

ઉદાહરણ તરીકે જોઇએ તો એક ભારતીય વ્યવસાયિકનો પરિવાર ચાર સભ્યોનો હોય તો તેણે દર વર્ષે ૧,૬૦૦ પાઉન્ડ ચૂકવવા પડશે. આ ઉપરાંત, અન્ય વિઝા સંબંધિત ફી તો ચૂકવવાની રહેશે જ. જોકે, યુકેમાં કાયદેસર વસવાટ બાદ પરમેનન્ટ રેસિડન્ટનો દરજ્જો મેળવશે, તેના ઉપર આ સરચાર્જ લાગુ પડશે નહિ. આ વધારાનો બ્રિટિશ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિને વિરોધ કર્યો છે. આ એસોસિયેશને હોમ સેક્રેટરી સાજિદ જાવેદને પત્ર લખી સરચાર્જનો વધારો પડતો મૂકવા કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter