લંડનઃ યુનાઇટેડ કિંગડમના સર્વપ્રથમ શીખ અને વંશીય લઘુમતી જજ સર મોટા સિંઘ QCનું રવિવાર ૧૩ નવેમ્બરે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. સર મોટા સિંઘ ઈંગ્લિશ બેંચ પર વાળની વિગના બદલે પાઘડી પહેરીને બેસનારા પ્રથમ જજ હતાં. તેઓ પત્ની બે પુત્ર અને પુત્રીના પરિવારને વિલાપ કરતાં મૂકી ગયા છે. તેઓ ૧૯૬૭માં ઇંગ્લિશ બારમાં જોડાયા હતા અને ૧૯૮૨માં બેંચ પર નિયુક્તિ સાથે હેડલાઈન્સમાં ચમક્યા હતાં. ન્યાયતંત્રની સેવા અને સખાવતી કાર્યો બદલ મોટા સિંઘને ૨૦૧૦માં નાઈટહૂડનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
સર મોટા સિંઘનો જન્મ ૨૬ જુલાઈ ૧૯૩૦ના દિવસે કેન્યાના નાઈરોબીમાં થયો હતો અને છ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. માત્ર ૧૬ વર્ષની વયે તેમણે પિતા ગુમાવ્યા હતા. જોકે અભ્યાસમાં તેજસ્વી હોવાથી તેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં કોઈપણ ટ્રેજેડીથી ભાંગી ન પડવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. મેટ્રીક થયા પછી તેમણે સોલિસીટરની ફર્મમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી અને બાર એક્ઝામ માટે પાર્ટ ટાઈમ કોરસપોન્ડન્સ કોર્સ પણ શરૂ કર્યો હતો. તેમણે ૧૯૫૧માં લગ્ન કર્યા હતા અને બે વર્ષ પછી બાર ફાઈનલ્સની પરીક્ષા આપવા પત્ની અને ઍક વર્ષની પુત્રી સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થયા હતા. ઈંગ્લેન્ડમાં તેમણે નોકરી અને પાર્ટટાઈમ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
મોટા સિંઘે તેજસ્વી યુવાન બેરિસ્ટર તરીકેની પ્રતિષ્ઠા ટૂંક સમયમાં પ્રાપ્ત કરી દીધી હતી અને જજીસ દ્વારા તેમને વારંવાર અભિનંદનો પણ આપવામાં આવતા હતા. કેન્યામાં તેજસ્વી કારકીર્દીની તક અને ઇંગ્લિશ બારમાં પ્રેક્ટિસ કરવાની મુશ્કેલીઓ હોવા છતાં તેમણે ૧૯૬૬માં ઇંગલેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો હતો. લંડનનાં બેરિસ્ટર્સ ચેમ્બર્સ ખાતે ટેનન્સી મેળવવામાં તેમને કોઈ મુશ્કેલી નડી નહીં.
તેમણે પોતાના પહેલાં કેસમાં ડ્રિન્કીંગ અને ડ્રાઇવિંગના આરોપમાંથી અંગ્રેજ સદ્ગૃહસ્થનો સફળ બચાવ કર્યો હતો. આ કેસનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી. ધ ટાઈમ્સે મોટા સિંઘની ‘ટેમ્પલ (ઇન ઓફ કોર્ટ)’ ના સંપૂર્ણ ઉચ્ચાર સાથેના શીખ બેરિસ્ટર તરીકે પ્રશંસા કરી હતી. તેઓ કાયદાની ‘લેન્ડલોર્ડ એન્ડ ટેનાન્ટ’ બ્રાન્ચમાં સૌથી પ્રતિષ્ઠિત નિષ્ણાત બની ગયા હતા. તેમણે ૧૯૬૮માં કોર્ટ ઓફ અપીલમાં એક નકામા ગણાયેલા કેસની સફળ પેરવી કરી હતી. આ કેસનો ચૂકાદો આજે પણ કેસ લો તરીકે ગણાવાય છે.
મોટા સિંઘને સુપ્રીમ કોર્ટમાં રેન્ટ એસેસમેન્ટ પેનલના ચેરમેન અને એક્ઝામિનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૬૮માં તેમની નિયુક્તિ નવરચિત રેસ રિલેશન બોર્ડમાં કરાઈ હતી. જ્યાં તેમણે બાર વર્ષ સુધી સેવા આપી હતી.
પોતાના કેસીસ માટે ચોકસાઈપૂર્ણ તૈયારી અને દલીલ કરવાના કૌશલ્યથી તેઓ ભારે પ્રશંસાપાત્ર બન્યા હતા. તેમણે ૧૯૭૬માં સિલ્ક હાંસલ કરી હતી. અને ૧૯૮૦માં ઈંગ્લેન્ડમાં વંશીય લઘુમતીઓમાંથી સૌ પ્રથમ નિયુક્ત કરાયેલા જજ બનીને ઇંગ્લીશ કાનૂની ઈતિહાસમાં નામ સ્થાપિત કર્યું હતું. તેમને સધર્ક ક્રાઉન કોર્ટમાં નિયુક્તિ અપાઈ હતી અને થોડા વર્ષો પછી ગંભીર ફ્રોડ કેસીસ ચલાવવા માટે લોર્ડ ચાન્સેલર દ્વારા નિયુક્ત ચાર જજમાં તેમનો પણ સમાવેશ કરાયો હતો.
તેઓ અહીં ડેપ્યુટી પ્રિસાઈડીંગ જજ બન્યા હતા. અહીં તેમણે બેંચ ઉપર ૨૨ વર્ષ સેવા આપી ૨૦૦૨માં નિવૃત્ત થયા હતા.