યુકેના સાંસદોની ‘ડીલ, નો-ડીલ અને ડીલે બ્રેક્ઝિટ’ની અસમંજસ

સ્પીકરે ત્રીજા મતદાન પર રોક લગાવીઃ ૨૦ મહિનાના બ્રેક્ઝિટ વિલંબ થવાનું જોખમઃ સતત ત્રણ દિવસના મતદાન છતાં બ્રેક્ઝિટ સમસ્યાનો નિવેડો નહિઃ સેકન્ડ બ્રેક્ઝિટ રેફરન્ડમનો પ્રસ્તાવ પણ નકારાયોઃ

Wednesday 20th March 2019 02:26 EDT
 
 

લંડનઃ ઈયુમાંથી યુકેના બહાર નીકળવાને માત્ર ૧૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે યુકે સમક્ષ ૨૦ મહિનાનો બ્રેક્ઝિટ વિલંબ થવાનું જોખમ સર્જાયું છે. કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ ૪૦૦ વર્ષ જૂનો કાયદો ઉખેળી વિથ્ડ્રોઅલ સમજૂતી તેના મૂળ સ્વરૂપમાં ત્રીજી વખત મતદાન માટે મૂકી ન શકાય તેમ જણાવ્યું છે. જેના પરિણામે બુધવારે થનારા નિર્ણાયક મતદાન પર પૂર્ણવિરામ મૂકાયું છે. બીજી તરફ થેરેસા મે સરકારે પણ સ્પીકરના રૂલિંગનો સામનો કરવાનો નિર્ણય લીધો છે. યુકેના હાઉસ ઓફ કોમન્સમાં ગત સપ્તાહે ભારે ચહલપહલ અને ઉતારચડાવ જોવાં મળ્યાં છે. યુકે ‘ડીલ, નો-ડીલ અને ડીલે બ્રેક્ઝિટ’ની અસમંજસમાં સપડાયું છે. સતત ત્રણ દિવસ સુધી સાંસદોએ મતદાન કર્યું છે છતાં બ્રેક્ઝિટ સમસ્યાનો નિવેડો આવી શક્યો નથી. આ મતદાનો કાયદેસર બંધનકર્તા નથી પરંતુ, રાજકીય દૃષ્ટિએ વડા પ્રધાન થેરેસા મે તેને અવગણી શકે તેમ પણ નથી. સંખ્યાબંધ મતદાનો કરાયાં છતાં યુકે હવે અગાઉથી નિશ્ચિત કરાયેલી ૨૯ માર્ચે ઈયુથી બહાર નીકળશે કે કેમ તે મુદ્દે ભારે અનિશ્ચિતતા જણાય છે. કાયદેસર તો આ શક્ય છે પરંતુ, રાજકીય દૃષ્ટિએ ગુંચવાડાથી ભરેલું છે.

નાટ્યાત્મક હસ્તક્ષેપમાં સ્પીકરે ચુકાદો આપ્યો હતો કે નોંધપાત્ર ફેરફાર વિના ઈયુ વિથ્ડ્રોઅલ સમજૂતી ફરી વખત મતદાન માટે મૂકી શકાશે નહિ. વડા પ્રધાન થેરેસા મે પોતાની સમજૂતી બે વખતના પરાજય પછી ત્રીજી વખત કોમન્સ સમક્ષ મૂકે તેના માત્ર ૨૪ કલાક અગાઉ સ્પીકરે આ રૂલિંગ આપ્યું હતું, જેની જાણ ડાઉનિંગ સ્ટ્રીટને પણ કરાઈ ન હતી. આના પરિણામે બંધારણીય કટોકટી સર્જાવાનો ભય છે કારણકે કાયદા અનુસાર ૨૯ માર્ચે યુકેએ સમજૂતી સાથે કે વિના ઈયુમાંથી બહાર નીકળી જવાનું છે. હવે થેરેસા મે ગુરુવારે ઈયુ સમિટમાં હાજરી આપવા જશે ત્યારે તેમણે બ્રસેલ્સ સમક્ષ ૨૦ મહિના સુધીના બ્રેક્ઝિટ વિલંબની માગણી મૂકવી પડશે. અગાઉ, વડા પ્રધાનની યોજના બ્રેક્ઝિટને માત્ર ત્રણ મહિના સુધી ટાળવાની હતી.

અગાઉ, મંગળવાર, ૧૨ માર્ચની રાત્રે યોજાએલાં મતદાનમાં ત્રણ કાનૂની દસ્તાવેજો સાથે સુધારાયેલાં થેરેસા ડીલની તરફેણમાં ૨૪૨ અને વિરુદ્ધમાં ૩૯૧ મત પડ્યા હતાં. વિથ્ડ્રોઅલ સમજૂતીના પરાજયનું મુખ્ય કારણ આઈરિશ બેકસ્ટોપનો વિવાદિત મુદ્દો અને એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સની લીગલ એડવાઈઝનો મુદ્દો રહ્યો હતો. બુધવાર, ૧૩ માર્ચની રાત્રે સાંસદોએ તમામ સંજોગોમાં નો-ડીલ બ્રેક્ઝિટની વિરુદ્ધમાં મતદાન કરી તેને ૩૦૮ વિ. ૩૧૨ મતથી ફગાવી દીધું હતું. ગુરુવાર, ૧૪ માર્ચની રાત્રે સાંસદોએ ૨૧૧ મતની બહુમતીથી (૪૧૩ વિ. ૨૦૨ મત) બ્રેક્ઝિટમાં વિલંબ માટે ઈયુ સાથે વાટાઘાટો કરવા વડા પ્રધાન થેરેસા મેને જણાવ્યું હતું. અગાઉ, સાંસદોએ વધુ એક બ્રેક્ઝિટ રેફરન્ડમ લેવાના પ્રસ્તાવને પણ ૮૫ વિરુદ્ધ ૩૩૪ મતની સરસાઈથી નકારી કાઢ્યો હતો.

બ્રેક્ઝિટમાં વિલંબ કેટલો હોઈ શકે?

વડા પ્રધાન થેરેસાના કહેવા અનુસાર જો આગામી બુધવારે (૨૦ માર્ચ) સાંસદો તેમની સમજૂતીને ટેકો આપે તો બ્રેક્ઝિટ ત્રણ મહિના એટલે કે ૩૦ જૂન સુધી વિલંબમાં રાખી શકાશે. જો કોમન્સમાં તેમની સમજૂતી ફરીથી ફગાવી દેવાય તો લાંબા સમય સુધીનો વિલંબ માગવો પડશે. આ વિલંબ દિવસો, મહિનાઓ કે વર્ષોનો પણ હોઈ શકે છે. કારણકે હવે આર્ટિકલ ૫૦ હેઠળ બ્રેક્ઝિટમાં કોઈ પણ વિલંબ માટે ઈયુના અન્ય ૨૭ સભ્ય રાષ્ટ્રો સહમત થવા જરૂરી છે. જોકે, હવે મતદાન શક્ય ન હોવાથી લાંબો વિલંબ માગવો પડશે. ઈયુમાંથી બહાર નીકળવા માટે ૨૨ મે, ૨૦૧૯ સુધીના વિલંબનો પ્રસ્તાવ સાંસદોએ ૧૬૪ વિ. ૩૭૪ મતથી ફગાવ્યો હતો. સાત કેબિનેટ મિનિસ્ટર્સ સહિત મોટા ભાગના ટોરી સાંસદોએ બ્રેક્ઝિટમાં વિલંબ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આના કારણે વડા પ્રધાને લેબર પાર્ટી તથા અન્ય વિપક્ષનો સહારો લેવો પડશે, જે મળે તેમ લાગતું નથી. વડા પ્રધાને ચેતવણી આપી છે કે ત્રણ મહિનાથી વધુ સમય બ્રેક્ઝિટ ટાળવામાં આવશે તો લોકશાહીમાં વિશ્વાસનો ભંગ થશે તેમ જ યુકેએ મે મહિનાની યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણીમાં પણ ભાગ લેવો પડશે.

વડા પ્રધાન થેરેસાની સમજૂતી પર આશા

આગામી મતદાનમાં વડા પ્રધાન થેરેસાના બ્રેક્ઝિટ ડીલને માની લેવા કન્ઝર્વેટિવ સાંસદો પર દબાણ વધી રહ્યું છે. સર્વેશન દ્વારા ૧૦૦૭ લોકોનાં એક અભ્યાસમાં ૫૭ ટકા કન્ઝર્વેટિવ મતદારોએ નો-ડીલ, સેકન્ડ રેફરન્ડમ, કસ્ટમ્સ યુનિયન બ્રેક્ઝિટ અથવા બે વર્ષના વિલંબ સહિતના વિકલ્પોના બદલે થેરેસા મેની સમજૂતીને સમર્થન આપવા તથા ૨૬ ટકાએ તેનો વિરોધ કરવા જણાવ્યું છે. ૪૧ ટકા ટોરી મતદારોએ થેરેસા ડીલને ટેકો આપ્યો હતો જ્યારે ૪૦ ટકાએ નો-ડીલને ટેકો આપ્યો હતો.

ટોરી પાર્ટીમાં બળવા કે અસંતોષનો સોથી વધુ લાભ લેબર પાર્ટીને મળ્યો છે. લોકપ્રિય મતદાનમાં લેબર પાર્ટીને ૩૯ ટકા મત મળ્યા છે, જે ફેબ્રુઆરીની સરખામણીએ ત્રણ ટકા વધુ છે. કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૫ ટકા મત મળ્યા છે, જે પાંચ ટકા ઓછાં છે. બીજી તરફ, થેરેસા ડીલ ફરીથી ફગાવી દેવાય તો ૬૫ ટકા ટોરી મતદારો તત્કાળ ચૂંટણીની તરફેણમાં નથી અને ૨૫ ટકાએ જુગાર ખેલી લેવાની તરફેણ કરી હતી.

જો થેરેસા મે પદત્યાગ કરે તો તેમનાં અનુગામી તરીકે બોરિસ જ્હોન્સનની વધુ તરફેણ થઈ છે. ૨૩ ટકાએ બોરિસની અને ૧૦ ટકાએ સાજિદ જાવિદની તરફેણ કરી છે. આ પછી, જેરેમી હન્ટ, માઈકલ ગોવ અને અમ્બર રડનો ક્રમ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter