યુકેના સાઉથ એશિયાના ટ્રેડ કમિશ્નર તરીકે હરજિન્દર કાંગની નિયુક્તિ

કાંગ પશ્ચિમ ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે પણ સેવાઓ આપશે

Tuesday 09th May 2023 13:19 EDT
 
 

લંડન

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર બ્રિટનના મુખ્ય મંત્રણાકાર હરજિન્દર કાંગને પશ્ચિમ ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર અને દક્ષિણ એશિયાના નવા ટ્રેડ કમિશ્નર તરીકે નિયુક્ત કરાયા છે. પશ્ચિમ ભારતના હાલના ડેપ્યુટી હાઇ કમિશ્નર એલન ગેમેલનું સ્થાન લેનારા હરજિન્દર કાંગ યુકેની કંપનીઓ માટે વ્યાપક તકો સર્જી શકે તેવા મુક્ત વેપાર કરારના અમલમાં મહત્વની ભુમિકા ભજવશે. અત્યાર સુધી ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર 9 રાઉન્ડ મંત્રણા થઇ ચૂકી છે.

યુકેના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોકે જણાવ્યું હતું કે, આ ભુમિકા માટે હું હરજિન્દરની નિયુક્તિને આવકારું છું. તેઓ ભારત સાથેના વેપાર કરારની મંત્રણા માટેની અમારી ટીમના સભ્ય રહી ચૂક્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ આ અનુભવનો ઉપયોગ દક્ષિણ એશિયામાં અણારા ટ્રેક રેકોર્ડને જાળવી રાખવા માટે કરશે અને વણખેડાયેલા બજારોમાં બ્રિટિશ કંપનીઓ માટેની તકો વિસ્તારશે.

હરજિન્દરકાંગે જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના ટ્રેડ કમિશ્નર તરીકેની નિયુક્તિ મારા માટે મોટું સન્માન છે. દક્ષિણ એશિયા અને ભારત ઝડપથી વિકાસ કરતા પ્રદેશ છે જે બ્રિટનની સમૃદ્ધિ અને સુરક્ષા માટે મહત્વના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter