લંડનઃ યુકેમાં સૌથી વધુ તસવીર લેવાઇ હોય તેવા વૃક્ષ પૈકીના એક વૃક્ષને ઇરાદાપુર્વક કાપી નાખવામાં આવ્યું છે. આ વૃક્ષ નોર્થઇસ્ટ ઇંગ્લેન્ડમાં રોમન યુગની હેડ્રિયન વોલ પાસે આવેલું હતું. નોર્થમ્બરલેન્ડ નેશનલ પાર્કના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, સાયકામોર ગેપ ખાતે આવેલું આ જાણીતું વૃક્ષ રાતોરાત ધરાશાયી થયું છે. અમે માનીએ છીએ કે આ વૃક્ષને ઇરાદાપુર્વક પાડી નાખવામાં આવ્યું છે. અમે આ મામલામાં વિવિધ એજન્સીઓ સાથે મળીને તપાસ કરી રહ્યાં છીએ. આ વૃક્ષ ન કેવળ ઐતિહાસિક દિવાલની નજીક હતું પરંતુ અદ્દભૂત સિનેમેટિક સેટિંગ્સ ધરાવતું હતું. આ વૃક્ષન આસપાસ 1991માં બનેલી કેવિન કોસ્ટનરની ફિલ્મનું પણ શૂટિંગ કરાયું હતું. 2016માં તેને વૂડલેન્ડ ટ્રસ્ટ ટ્રીનો એવોર્ડ પણ અપાયો હતો. આ જધન્ય કૃત્ય માટે એક 16 વર્ષીય સગીરની ધરપકડ બાદ નિર્દોષ જણાતા મુક્ત કરી દેવાયો હતો. ત્યારબાદ 60 વર્ષીય વૃદ્ધની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી.


