લંડનઃ યુકેના સૌપ્રથમ મહિલા એશિયન લોર્ડ મેયર મંજૂલા સૂદનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લેસ્ટર સમુદાયના પ્રતિબદ્ધ સેવક તરીકે જાણીતા હતા. મંજૂલા સૂદે લેસ્ટરના આસિસ્ટન્ટ મેયર અને સ્ટોનીગેટ વોર્ડના લેબર કાઉન્સિલર તરીકે પણ સેવાઓ આપી હતી.
મંજૂલા સૂદ 1970માં ભારતથી લેસ્ટર આવ્યા હતા અને પીએચડી સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે 20 વર્ષ સુધી એક પ્રાયમરી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ઓક્ટોબર 1996માં તેઓ લેસ્ટરના પ્રથમ મહિલા હિન્દુ કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 12 વર્ષ બાદ તેઓ મે 2008માં લેસ્ટરના પ્રથમ એશિયન મહિલા લોર્ડ મેયર બન્યા હતા. તેઓ મૂળ ભારતના પંજાબના લુધિયાણાના વતની હતા.
લેસ્ટર સાઉથના અપક્ષ સાંસદ શૌકત આદમે જણાવ્યું હતું કે, સૂદ મારા શિક્ષિકા હતા અ તેમણે તેમના કાર્યો દ્વારા અસંખ્ય જીવનો પર અસર કરી હતી. તેમના નિધનથી લેસ્ટરને મોટી ખોટ પડી છે.
લેસ્ટર વેસ્ટના લેબર સાંસદ લિઝ કેન્ડલે જણાવ્યું હતું કે, મંજૂલા સૂદનો લેસ્ટર પર વ્યાપક પ્રભાવ હતો. તેઓ હંમેશા મહિલા અને સમુદાયો માટે કામ કરવા તત્પર રહેતાં હતાં. ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઇઝેશન્સના સુલેમાન નાગદીએ જણાવ્યું હતું કે, સૂદ અસામાન્ય દયા, ગૌરવ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક હતા.


