લંડન
બ્રિટનની ધરતી પરથી હાથ ધરાયેલું સૌપ્રથમ સેટેલાઇટ પ્રક્ષેપણ નિષ્ફળ જતાં દેશના અંતરિક્ષ અભિયાનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકન વર્જિન ઓર્બિટ કંપની દ્વારા સંચાલિત જમ્બો જેટ મંગળવારે ઉપગ્રહો સાથેના રોકેટને લઇને ન્યુક્વે, કોર્નવોલ ખાતેથી એટલાન્ટિક મહાસાગર પર રવાના થયું હતું. અંતરિક્ષમાં જવા રવાના થયેલું રોકેટ શરૂઆતમાં તેના નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહ્યું હોવાનો રિપોર્ટ મળ્યો હતો પરંતુ ત્યારબાદ અમેરિકન વર્જિન ઓર્બિટ કંપનીએ જાહેરાત કરી હતી કે રોકેટમાં કોઇ ખામી સર્જાઇ હતી અને તે ભ્રમણકક્ષામાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. તેની સાથે રોકેટ સાથે પ્રક્ષેપિત થનારા ઉપગ્રહનો પણ નાશ થયો હતો.
આ મિશનને યુકેના સ્પેસ પ્રોગ્રામનો સીમાસ્થઁભ માનવામાં આવી રહ્યો હતો. જો આ મિશન સફળ રહ્યું હોત તો યુકેમાં ઘરઆંગણે સ્પેસ ઇન્ડસ્ટ્રીનો પ્રારંભ થઇ શક્યો હોત. યુકે આ મિશન અંતર્ગત સેટેલાઇટ નિર્માણ, રોકેટ નિર્માણ અને નવી સ્પેસ સ્પોર્ટ્સના સર્જન દ્વારા ગ્લોબલ પ્લેયર બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો.
યુકે સ્પેસ એજન્સીના ડેપ્યુટી સીઇઓ ઇયાન એન્નેટે જણાવ્યું હતું કે, આ દર્શાવે છે કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં દાખલ થવું કેટલુ અઘરૂં છે. અમે હવે પછીના 12 મહિનામાં વધુ પ્રક્ષેપણ કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.અમે ફરી ઊભા થઇશું અને ફરી પ્રયાસ કરીશું.
એજન્સીના લોન્ચ પ્રોગ્રામ ડિરેક્ટર મેટ આર્ચરે જણાવ્યું હતું કે રોકેટના અપર સેગમેન્ટમાં ખામી સર્જાઇ હતી. સેકન્ડ સ્ટેજના એન્જિનમાં ખામી સર્જાતાં તે નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી શક્યું નહોતું. આ ઘટનાની વર્જિન ઓર્બિટ કંપની અને સંખ્યાબંધ સરકારી વિભાગો દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે. રોકેટ ધરતી પર પડ્યું હતું કે કેમ તેવા સવાલના જવાબમાં આર્ચરે જણાવ્યું હતું કે, અમે તે અંગે હજુ જાણકારી ધરાવતા નથી પરંતુ જો તે માનવવસતી વિહોણા વિસ્તારમાં જ પડ્યું હશે.
સેટેલાઇટ વીમા કવચ ધરાવતા હોવાથી તેના ઉત્પાદકો અને ઓપરેટરોને વીમા કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવે છે તેથી તેમને કોઇ પ્રકારનું નુકસાન થતું નથી. વર્જિન ઓર્બિટ કંપની હજુ આ ક્ષેત્રમાં નવી છે. તેણે 2020થી જ આ સેક્ટરમાં કામગીરી શરૂ કરી હતી. તેનું પહેલું મિશન નિષ્ફળ રહ્યું હતું પરંતુ ત્યારબાદના ચાર મિશન સફળ રહ્યાં હતાં.
વર્જિન ઓર્બિટના સીઇઓ ડેન હાર્ટે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે અમે અમારા ગ્રાહકોને તેમની ઇચ્છા પ્રમાણેની સફળ લોન્ચ સર્વિસ આપી શક્યાં નથી. આ મિશન જટિલ હતુ અને અમારા ઓપરેટરો તેને સારી રીતે હાથ ધરી શકે તેમ હતા પરંતુ ટેકનિકલ ખામી સર્જાતાં અમે ભ્રમણકક્ષા સુધી પહોંચી શક્યાં નથી.


