લંડનઃ કાઉન્સિલો દ્વારા નિભાવ કરાતા હજારો રોડ બ્રિજ તૂટી પડવાનું જોખમ હોવાની ચેતવણી RAC Foundation ચેરિટીના અભ્યાસમાં આપવામાં આવી છે. બ્રિટનમાં ૩,૨૦૩ જેટલાં બ્રિજ ભારેખમ વાહનોની અવરજવર માટે યોગ્ય નહિ હોવાનું અભ્યાસના તારણો જણાવે છે. ગત બે વર્ષમાં સબ-સ્ટાન્ડર્ડ બ્રિજની સંખ્યામાં ૩૫ ટકાથી વધુનો વધારો થયો છે, જે લોકલ રોડ નેટવર્ક પરના ૭૨,૦૦૦ બ્રિજના ૪.૪ ટકા થવા જાય છે.
RAC Foundation ચેરિટીના ડિરેક્ટર સ્ટીવ ગૂડિંગના કહેવા અનુસાર ટ્રાફિકની અવરજવરનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જર્જરિત થતું ગયું છે તેને ધ્યાનમાં લાંબા ગાળાના ભંડોળની વ્યવસ્થા વિના વધુ બ્રિજ પર ભારક્ષમતા નિયંત્રણો લગાવવા પડે તેવી શક્યતા છે. બ્રિજ માળખાની ભારવહન ક્ષમતાથી ૧૦ ગણુ વજન લઈ જતી લોરીઓની અવરજવરના કારણે બકિંગહામશાયરના માર્લોનો ઐતિહાસિક બ્રિજ ગત સપ્ટેમ્બરમાં બંધ કરવાની પરજ પડી હતી.
ડેવોનમાં સૌથી વધુ ૨,૬૮૯ સબ-સ્ટાન્ડર્ડ બ્રિજ છે તેના પછી એસેક્સ (૧,૫૬૭), સમરસેટ (૧,૪૫૯) અને નોર્થમ્બરલેન્ડ (૯૬૪)નો ક્રમ આવે છે. સ્લાઉ કાઉન્સિલના વહીવટ હેઠળના ૪૭ ટકા બ્રિજ ખરાબ હાલતમાં છે, જે બ્રિટનમાં સૌથી વધુ છેતમામ બ્રિજના સમારકામ પાછળ અંદાજે ૩.૯ બિલિયનનો ખર્ચ છે પરંતુ, ફંડ અને કૌશલ્યના અભાવના કારણે કાઉન્સિલો આ માળખાંના નિભાવની જવાબદારીમાં પાછી પડે છે.


