યુકેના ૧૧૧,૨૯૫ ગનધારકોના નામ-સરનામા ઓનલાઈન જાહેર

Wednesday 08th September 2021 04:09 EDT
 
 

લંડનઃ એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ વ્યાપક સુરક્ષાભંગના કિસ્સામાં યુકેના ૧૧૧,૨૯૫ ગનધારકોના નામ અને-સરનામા સાથેની વિગતો ઓનલાઈન જાહેર કરી દેતા ચકચાર જામી છે. નેશનલ ક્રાઈમ એજન્સીએ શસ્ત્રધારકોને જોખમમાં મૂકતી લીક વિશે તપાસ હાથ ધરી છે.

યુકેના હજારો શસ્ત્રધારકોના નામ, સરનામા અને સંપર્કની વિગતો ઓનલાઈન જાહેર કરી દેવાયાની સૌપ્રથમ માહિતી વેબસાઈટ ધ રજિસ્ટર દ્વારા આપવામાં આવી હતી. શસ્ત્રોની ખરીદીનો રેકોર્ડ રાખતા ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ગનટ્રેડર- Guntrader પાસેથી આ વિગતો મેળવાઈ હોવાનું કહેવાય છે. એક્ટિવિસ્ટોએ ચોરાયેલા ડેટાની ફાઈલ રિફોર્મેટ કરી હતી જેથી તેને સરળતાથી ડિજિટલ નકશા પર મૂકી શકાય અને વ્યક્તિના લોકેશનની ભાળ મેળવી શકાય.

જુલાઈ મહિનામાં લીક કરાયેલી અંગત વિગતો બ્લોગમાં મૂકી એનિમલ એક્ટિવિસ્ટોએ સમર્થકોને તેમના વિસ્તારોમાં શક્ય તેટલા ગનધારકોનો સંપર્ક કરી તેઓ પ્રાણીઓની હત્યામાં સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ કરવા જણાવ્યું હતું. બીજી તરફ, બ્રિટિશ એસોસિયેશન ફોર શૂટિંગ એન્ડ કન્ઝર્વેશને (BASC) તેના સભ્યોને ઘરની તેમજ શસ્ત્રોને લોકમાં રાખવાની સુરક્ષા બાબતે કાળજી રાખવા જણાવ્યું હતું.

ગનટ્રેડરની વેબસાઈટમાં જણાવાયું છે કે તેઓ સંપૂર્ણ ઈલેકટ્રોનિક ગન અને એમ્યુનિશન રજિસ્ટર રાખે છે જે વર્તમાન બજારમાં સૌથી સલામત અને સુરક્ષિત ગન રજિસ્ટર સિસ્ટમ છે. ગનટ્રેડરે જુલાઈમાં ફાયરઆર્મ્સના સ્થળોની કોઈ માહિતી લેવાઈ ન હોવાનું જણાવ્યું હતું પરંતુ, વપરાશકારના નામ અને સરનામાંની માહિતી લેવાયાનું સ્વીકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter