યુકેના ૧૧૧ વર્ષના બોબ વેઈટનને વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષનું ટાઈટલ!

Tuesday 10th March 2020 08:07 EDT
 
 

લંડનઃ યુકેના સૌથી વરિષ્ઠ નાગરિક રોબર્ટ ‘બોબ’ વેઈટને હવે વિશ્વના જીવંત સૌથી વયોવૃદ્ધ પુરુષનું ટાઇટલ મેળવ્યું છે. હેમ્પશાયરના એલ્ટોનમાં વસતાં બોબ વેઈટન ૧૧૧ વર્ષના છે અને જાપાનના વિશ્વવિક્રમધારક ૧૧૨ વર્ષીય વૃદ્ધના અવસાન બાદ આ બહુમાન વેઈટનના નામે નોંધાયું છે. જોકે, ટુંક સમયમાં ૧૧૨ વર્ષના થનારા વેઈટન પોતાના નવા ટાઈટલની ઉજવણી કરવાના મૂડમાં નથી.

બ્રિટનના સૌથી વૃદ્ધ પુરુષ ૧૧૧ વર્ષીય બોબ વેઈટન કહે છે કે તે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ બન્યા હોવાનું તેમને કહેવાયું ત્યારે તેઓ માની શક્યા નહિ. જોકે, તેઓ નવા ટાઈટલની ઉજવણી કરવા માગતા નથી કારણ કે કોઈના મૃત્યુની ઉજવણી યોગ્ય નહિ ગણાય. ઉલ્લેખનીય છે કે જાપાનના ૧૧૨ વર્ષીય વૃદ્ધ ચિતેત્સુ વાટાનાબેના અવસાન પછી આ વિક્રમ વેઈટનના નામે નોંધાયો છે. વેઈટનનો જન્મ ૧૯૦૮ની ૨૯ માર્ચે ઈસ્ટ યોર્કશાયરના હલમાં થયો હતો અને તેમણે બે વિશ્વ યુદ્ધો, સોવિયેટ યુનિયનની ચડતી-પડતી તેમજ ઈન્ટરનેટની શોધને પણ નિહાળ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ‘મારા પૌત્ર મેગ્નસે મને સમાચાર આપ્યા ત્યારે હું માની શક્યો નહિ. આટલા વૃદ્ધ થવા માટે હું નસીબવાન છું. હું આ વયે પહોંચીશ તેની મેં કદી કલ્પના કરી ન હતી. જોકે, આનાથી કશું બદલાશે નહિ. આ તો લાંબા જીવનનો વધુ એક દિવસ છે. મને આ ટાઈટલ મળ્યું પણ તે માટે એક વ્યક્તિએ જાન ગુમાવ્યો તે દુઃખદ્ છે. હું કોઈ ઉજવણી કરવાનો નથી. હું અને મારો પરિવાર જીવન જેમ જીવાતું જાય તેને સ્વીકારીએ છીએ.’
બોબ વેઈટન ત્રણ પુત્રો, ૧૦ ગ્રાન્ડચિલ્ડ્રન અને ૨૫ ગ્રેટ- ગ્રાન્ડચિલ્ડ્રનનો બહોળો પરિવાર ધરાવે છે. તેમણે તરુણાવસ્થામાં મરિન એન્જિનિયરિંગની તાલીમ મેળવી હતી. તેઓ ૧૯૨૫માં તાઈવાન ગયા અને ઈંગ્લિશના શિક્ષક તરીકે કામ કર્યું હતું અને ભાવિ પત્ની એગ્નેસ સાથે મુલાકાત થઈ હતી.
વેઈટન ૧૯૩૯માં પરિવાર સાથે યુકે પરત થવા ઈચ્છતા હતા પરંતુ, વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા તેમણે કેનેડા રોકાઈ જવું પડ્યું હતું. જાપાનીઝ ભાષાના જાણકાર હોવાથી તેમણે યુએસમાં લશ્કર માટે કામગીરી પણ બજાવી હતી. આખરે યુકે આવી તેમણે ૧૯૭૩માં ૬૫ વર્ષે નિવૃત્ત થતાં સુધી લંડનની સિટી યુનિવર્સિટીમાં મરિન એન્જિનિયરિંગના લેક્ચરર તરીકે કામ કર્યું હતું.
બોબ વેઈટને તેમના જીવનકાળમાં પાંચ મોનાર્કના શાસન તેમજ ૨૬ વડા પ્રધાનને નિહાળ્યા છે. આમ તો તેઓ બ્રિટનના વયોવૃદ્ધ પુરુષનું ટાઈટલ એક જ દિવસે જન્મેલા પર્થશાયરના આલ્ફ સ્મિથ સાથે સંયુક્તપણે ધરાવતા હતા પરંતુ, સ્મિથનું ગયા વર્ષે જ અવસાન થયું છે. ગયા વર્ષે બોબના જન્મદિને નવી નંબર પ્લેટ ‘Bob 111’ અપાઇ હતી. સૌથી વયોવૃદ્ધ જીવંત મહિલાનો રેકોર્ડ જાપાનના ૧૧૭ વર્ષીય કાને ટનાકાના નામે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter