લંડનઃ બેરોજગારીના સત્તાવાર આંકડામાં ૩૦૦,૦૦૦ લોકોના નામ ન હોવાથી બ્રિટનમાં મોટા પાયે જોબની કટોકટીની અવગણના થઈ રહી હોવાનું ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે તેનો અર્થ એ થાય કે મહામારીની આર્થિક અસરને ધ્યાને લઈને ચાન્સેલર રિશી સુનાકનું ફાઈનાન્સિયલ રેસ્ક્યુ પેકેજ ખામીવાળું હશે. અલાયન્સ ફોર ફૂલ એમ્પ્લોયમેન્ટના વિશ્લેષણમાં રોજગાર અને બેરોજગાર વિશેના સત્તાવાર પગલાંની તાકીદે સમીક્ષા માટે અનુરોધ કરાયો હતો. ૪.૯ ટકા અથવા ૧.૭ મિલિયન લોકો બેરોજગાર છે. જોકે, વિશ્લેષણમાં જણાયું કે ટેક્સ રેકર્ડ્સ, બેનિફિટ ક્લેઈમન્ટ કાઉન્ટ અને બિઝનેસ સર્વે જેવા અન્ય માહિતીના સ્રોતો સૂચવે છે કે બેરોજગારોની સંખ્યા ૨ મિલિયન છે અને તે આ વર્ષમાં વધીને ૩.૫ મિલિયન થશે.

