લંડનઃ બ્રિટિશ અને ઈયુ દેશોના વિદ્યાર્થીઓ માટે લોન પરત ચુકવવા લઘુતમ આવકની મર્યાદા ૨૧,૦૦૦ પાઉન્ડ હતી તે વધારીને ૨૫,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી છે. આના પરિણામે, વર્તમાન ૧૦માંથી આઠ અથવા ૮૧ ટકા વિદ્યાર્થી તેમની ટ્યુશન ફીની સંપૂર્ણ લોન કદી ચુકવશે નહિ. ગ્રેજ્યુએટ્સની કમાણી આવકમર્યાદાની ઉપર જશે ત્યારે અંદાજે ૯ ટકા જેટલી પરત ચુકવણી થશે. જો લોનને ૩૦ વર્ષ થઈ જશે તો તે માંડવાળ કરી દેવાશે અને તેનો બોજો કરદાતાઓના શિરે આવશે.
આવકમર્યાદાના આ સુધારા અગાઉ ૭૨ ટકા વિદ્યાર્થી તેમની સંપૂર્ણ લોન ચુકવતા ન હતા. જોકે, નવા રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓના ઋણના કુલ ૪૫ ટકા તો કદી ચુકવાશે નહિ. આવકની મર્યાદા ૨૧,૦૦૦ પાઉન્ડ રખાઈ ત્યારે આ ટકાવારી ૨૮ની હતી. સામાન્ય ગ્રેજ્યુએટ યુનિવર્સિટી છોડે ત્યારે તેના માથે આશરે ૪૬,૦૦૦ પાઉન્ડનું દેવું હોય છે. ૪૦ ટકા વિદ્યાર્થી ઓછી કમાણી ધરાવતા પરિવારોમાંથી આવે છે અને જીવનનિર્વાહ ખર્ચને પહોંચી વળવા તેઓ મેઈન્ટેનન્સ લોન્સને લાયક ગણાય છે. આથી તેઓના શિરે દેવું વધીને ૫૨,૦૦૦ પાઉન્ડ જેટલું થાય છે. અમેરિકન ગ્રેજ્યુએટ્સ યુનિવર્સિટી છોડે ત્યારે તેમના માથે આનાથી અડધું દેવું હોય છે.
પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ જાહેર કરેલા સુધારા ગ્રેજ્યુએટ્સને તેમના જીવનકાળમાં સરેરાશ ૮,૦૦૦ પાઉન્ડ બચાવી આપશે પરંતુ, લાંબા ગાળે દર વર્ષે પ્રવેશ મેળવતા વિદ્યાર્થી દ્વારા લોન પાછળ કરદાતાએ ૨.૯ બિલિયન પાઉન્ડનો બોજ ઉઠાવવો પડશે.


